હોર્મુઝ જઈને પોતાનું તેલ મેળવો અથવા અમેરિકા પાસેથી ખરીદો: ટ્રમ્પ

01 April, 2026 11:13 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ઈરાન યુદ્ધ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે તેલ-સંકટથી ઝઝૂમતા દેશોને કહ્યું... હોર્મુઝ જઈને પોતાનું તેલ મેળવો અથવા અમેરિકા પાસેથી ખરીદો

ડોનલ્ડ ટ્રમ્પ

વેસ્ટ એશિયામાં ચાલી રહેલી કટોકટીને ૩૨ દિવસ વીતી ગયા છે અને દુનિયાના ઘણા દેશોમાં તેલ અને ગૅસનું સંકટ છે ત્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે આવા દેશોને બે સૂચનો કર્યાં છે કે તેઓ અમેરિકા પાસેથી તેલ ખરીદી શકે છે અથવા હોર્મુઝ સ્ટ્રેટ જઈને એ મેળવી શકે છે. આમ ડોનલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ છે એ બદલ અન્ય દેશોની મજાક ઉડાવી છે.

સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં ડોનલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ‘હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે જેટ ઈંધણની અછતનો સામનો કરી રહેલા દેશોએ થોડી હિંમત ભેગી કરવી જોઈએ. યુનાઇટેડ કિંગડમ જેવા દેશોએ ઈરાનને નબળા પાડવાના અમારા અભિયાનમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. તેમનાં માટે મારાં બે સૂચનો છે. તેઓ અમેરિકા પાસેથી તેલ ખરીદે, કારણ કે અમારી પાસે એની કોઈ અછત નથી અને બીજું સૂચન એ છે કે થોડી હિંમત કરો, એ સ્ટ્રેટ પર જાઓ અને પોતાનું તેલ જાતે લઈ જાઓ.’

આ પોસ્ટમાં ટ્રમ્પે આગળ લખ્યું છે કે ‘હવે તમારે પોતાનું રક્ષણ કરવાનું શીખવું પડશે. જેમ તમે અમારી સાથે નહોતા એમ અમેરિકા હવે તમને મદદ કરવા માટે હાજર રહેશે નહીં. હકીકતમાં ઈરાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે. મુશ્કેલ ભાગ પૂરો થઈ ગયો છે. હવે જાઓ અને તમારું પોતાનું તેલ મેળવો.’

તેલ અને LPGનું વહન કરતાં ૧૮ ભારતીય જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયાં છે : સરકાર

મિડલ ઈસ્ટમાં યુદ્ધ દરમ્યાન હોર્મુઝમાં તેલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નું વહન કરતાં ભારતીય ધ્વજવાળાં ૧૮ જહાજો ફસાયાં હોવાનું સરકારે ગઈ કાલે જણાવ્યું હતું. આ જહાજોમાં ૪૮૫ સભ્યો સવાર છે. આમાંથી ૩ LPG ટૅન્કર, એક લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) કૅરિયર અને ૪ ક્રૂડ ઑઇલ ટૅન્કર છે. આ સાંકડા સ્ટ્રેટમાં લગભગ ૫૦૦ જહાજો અટવાયેલાં છે. જોકે આ તમામ નાવિકો સલામત છે. સરકારે કહ્યું હતું કે મુખ્ય ઊર્જામાર્ગ પર પ્રતિબંધો હોવાને કારણે સલામત માર્ગ સુનિશ્ચિત કરવો એ અમારી પ્રાથમિકતા છે. આ કટોકટી હોવા છતાં ૮ જહાજ ભારત આવી પહોંચ્યાં છે.

international news world news iran israel hormuz strait united states of america petroleum