22 June, 2026 12:34 PM IST | Iran | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝરલૅન્ડમાં શાંતિમંત્રણા ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વૅન્સ વાતચીત સકારાત્મક રહી હોવાનો દાવો કરી રહ્યા છે, પાકિસ્તાન તથા કતરનો આભાર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ સોશ્યલ મીડિયા પર બૉમ્બ ફોડ્યો છે. તેમણે ફરી એક વાર ઈરાનને ધમકાવ્યું છે. જો શરતો નહીં માને તો ઈરાન પર ફરી ભયાનક હુમલો કરવાની અને કબજો કરવા સુધીની ધમકી ઉચ્ચારી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલે છે ત્યારે જ અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાનને આકરી ચેતવણી આપી હતી. ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ઈરાને લેબૅનનમાં સક્રિય એના વધુ ભંડોળ મેળવતા પ્રૉક્સીઓને મુશ્કેલીઓ ઊભી કરતા તાત્કાલિક અટકાવવા જોઈએ. આ સાથે જ તેમણે ધમકી આપતાં જણાવ્યું હતું કે જો તેઓ એવું નહીં કરે તો અમે ઈરાન પર ફરીથી એટલો જોરદાર હુમલો કરીશું જેવો ગયા અઠવાડિયે કર્યો હતો, બલકે એનાથી પણ વધારે આકરાં પગલાં ભરીશું અને ઈરાન પર કબજો પણ કરીશું.
બીજી તરફ ઇઝરાયલના વડા પ્રધાન અને સંરક્ષણપ્રધાન પણ ફરી ધમકીઓ આપવા લાગ્યા હતા. ઇઝરાયલી સેનાને લેબૅનનમાં સર્જાતા કોઈ પણ જોખમ કે ખતરાનો જડબાતોડ જવાબ આપવાના કડક નિર્દેશ આપી દેવામાં આવ્યા હોવાનો દાવો બેન્જામિન નેતન્યાહુએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૭ જૂને બન્ને પક્ષો વચ્ચે જે ૧૪ મુદ્દાના મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા એમાં લેબૅનનમાં યુદ્ધવિરામનો મુદ્દો પણ મુખ્યત્વે સામેલ હતો.
અમે મોટી પ્રગતિ કરી, હવે સાથે ભવિષ્ય જોઈ રહ્યા છીએઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી. વૅન્સે સ્વિટ્ઝરલૅન્ડના બર્ગનસ્ટોક રિસૉર્ટમાં ઈરાનના અધિકારીઓ સાથેની મહત્ત્વની વાટાઘાટો બાદ જણાવ્યું કે બંને દેશો વચ્ચેની ચર્ચામાં ઘણી પ્રગતિ થઈ છે અને તેઓ હવે સાથે ભવિષ્ય જોઈ રહ્યા છે. આ ખાસ બેઠકમાં પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને કતરના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન આલ થાની પણ હાજર રહ્યા હતા. જે.ડી. વૅન્સે કહ્યું કે જો ઈરાન પોતાની અસ્થિર નીતિઓ અને પરમાણુ હથિયારોની મહત્ત્વાકાંક્ષા કાયમ માટે છોડી દે તો વૉશિંગ્ટન તેના સંબંધોને સંપૂર્ણપણે બદલવા તૈયાર છે.