27 March, 2026 10:07 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
બાબ અલ-મંડેબ સ્ટ્રેટ
ઈરાને પોતાના તેલભંડારો ધરાવતા ટાપુઓને નિશાન બનતા અટકાવવા માટે હૂતી વિદ્રોહીઓની મદદથી આંસુઓના દ્વાર ગણાતા બાબ અલ-મંડેબ સ્ટ્રેટનો વેપારમાર્ગ અવરોધવાની આપી ધમકી
પર્શિયન ગલ્ફમાં ઈરાનના ખાર્ગ દ્વીપ જેવા ૩૦થી વધુ ટાપુઓ છે. અમેરિકાએ ખાર્ગ દ્વીપને તહસનહસ કરી નાખ્યો હોવાનો દાવો કર્યો છે અને હવે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલે તો ખાર્ગ દ્વીપ પરના ઑઇલના ભંડારોને પણ તબાહ કરવાની ધમકી આપી છે. એવામાં ઈરાને વળતી ધમકી આપી છે. ઈરાનનાં સૈન્ય-સૂત્રો દ્વારા ચેતવણી અપાઈ છે કે જો ઈરાની ટાપુઓ પર હુમલો થશે તો હવે તેઓ બાબ અલ-મંડેબ સ્ટ્રેટને પણ બ્લૉક કરી શકે છે. ઑલરેડી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી વિશ્વભરના દેશોમાં તેલ અને LPGની ભારે તંગી સર્જાઈ છે એવામાં વધુ એક વેપારમાર્ગ બંધ થવાની ચેતવણીને કારણે બાબ અલ-મંડેબ માર્ગે વેપારવ્યવહાર કરતાં દેશોની ચિંતા વધી ગઈ છે.
ઈરાન આસાનીથી આ માર્ગ બંધ કરી શકે એમ નથી કેમ કે ઈરાનથી આ સ્ટ્રેટ લગભગ ૨૫૦૦ કિલોમીટર દૂર છે, પરંતુ એ યમન પાસે આવેલી છે. ઈરાનને યમનના હૂતી વિદ્રોહીઓનો પૂરો સાથ છે. યુરોપ, એશિયા અને મિડલ ઈસ્ટને જોડતા આ મહત્ત્વના સમુદ્રમાર્ગેથી વર્ષે ૯૪ લાખ કરોડ રૂપિયાનો માલસામાન પસાર થાય છે. હૂતી વિદ્રોહીઓનો સાથ લઈને ઈરાન લાલ સમુદ્રના ટ્રાફિકને પણ ખોરંભે ચડાવી દઈ શકે છે
અરબી ભાષામાં બાબ અલ-મંડેબનો અર્થ થાય છે આંસુઓનું દ્વાર અથવા તો દુખનું દ્વાર. આ સાંકડો સમુદ્રમાર્ગ લાલ સાગરને અદનની ખાડી તેમ જ અરબી સમુદ્રને જોડે છે. આ જગ્યા યમન અને આફ્રિકાના હૉર્ન ક્ષેત્રની વચ્ચે આવેલી છે. આ જગ્યાએ યમન એટલે કે હૂતીઓનું ઈરાનને સમર્થન મળી શકે એમ છે. દુનિયાભરમાં સમુદ્રના રસ્તેથી જનારા તેલનો લગભગ ૧૨ ટકા હિસ્સો અને ૧૦ ટકા LPGનો વેપાર બાબ અલ-મંડેબના જળમાર્ગથી પસાર થાય છે એને કારણે એ દુનિયાનો ચોથા નંબરનો મોટો શિપિંગ માર્ગ છે.
આ માર્ગ માત્ર ૨૬થી ૨૯ કિલોમીટર પહોળો છે. અહીંનો સમુદ્ર ખૂબ ચંચળ છે. તેજ હવાને કારણે જૂના સમયમાં આ માર્ગ પર અનેક જહાજો ડૂબી જતાં હતાં એટલે એ દુખનું દ્વાર કે આંસુનું દ્વાર કહેવાતો હતો. હાલના સમયમાં યમનના વિદ્રોહીઓ દ્વારા જહાજો પર હુમલા થવાની ઘટનાઓ વધી હોવાથી ભૂરાજનૈતિક તનાવને કારણે આ જોખમભર્યો માર્ગ છે.