15 April, 2026 12:48 PM IST | Israel | Gujarati Mid-day Correspondent
અમેરિકા-ઇઝરાયલના હુમલામાં તેહરાનમાં તબાહ થયેલો રેસિડેન્શ્યલ વિસ્તાર.
ઈરાન સરકારના પ્રવક્તાએ પ્રાથમિક મૂલ્યાંકનોને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાન પર અમેરિકા-ઇઝરાયલી હુમલાઓથી થયેલા નુકસાનનો અંદાજ લગભગ ૨૭૦ અબજ ડૉલર (આશરે ૨૫,૧૩,૨૧૫ કરોડ રૂપિયા) છે.
ઈરાનની તસનીમ સમાચાર એજન્સીના કહેવા મુજબ ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટોમાં અમારી ટીમે વળતરની માગણી મૂકી હતી, આ મહત્ત્વનો મુદ્દો છે. ૨૭૦ અબજ ડૉલરનો આંકડો પણ અંતિમ નથી. નુકસાનની સામાન્ય રીતે અનેક સ્તરોમાં તપાસ કરવામાં આવે છે.
૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે સંયુક્ત હુમલા શરૂ કર્યા પછી પ્રાદેશિક દુશ્મનાવટ વધી ગઈ હતી જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો ઘાયલ થયા હતા.
૧૪ એપ્રિલને ઇઝરાયલમાં હોલોકૉસ્ટ રિમેમ્બરન્સ દિવસ તરીકે પાળવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધમાં નાઝીઓ દ્વારા મોતને ભેટેલા ૬૦ લાખ યહૂદીઓને આ દિવસે યાદ કરવામાં આવે છે. દર વર્ષે ૧૪ એપ્રિલે તમામ ઇઝરાયલીઓ આ ગોઝારી યાદને મૌન સાથે થંભીને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે ઇઝરાયલનાં તમામ શહેરોમાં અલગ-અલગ સમયે મોટેથી સાયરન વાગે છે અને લોકો જ્યાં હોય ત્યાં રોડ પર, ટ્રેનમાં, રેસ્ટોરાંમાં કે ઑફિસોમાં સ્ટૅચ્યુ થઈ જાય છે અને બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા યહૂદીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે.