ઈરાનના ટોચના સુરક્ષા-અધિકારી અલી લારીજાનીનો સ્ફોટક દાવો

16 March, 2026 11:42 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

એપ્સટીન ગૅન્ગે અમેરિકા પર 9/11 જેવા હુમલાનું કાવતરું ઘડ્યું છે અને ઈરાનના માથે ઠીકરું ફોડવા માગે છે.

ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની

ઈરાનના ટોચના સુરક્ષા-અધિકારીએ એક વિસ્ફોટક દાવો કરીને આરોપ લગાવ્યો છે કે દોષી જાતીય ગુનેગાર જેફરી એપ્સટીન સાથે સંકળાયેલી અમેરિકાની લૉબી 9/11 શૈલીના હુમલાનું કાવતરું ઘડી રહી છે અને તેઓ આ હુમલાનો દોષ તેહરાન પર મૂકવા માગે છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની એક પોસ્ટમાં ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાનીએ લખ્યું હતું કે મેં સાંભળ્યું છે કે એપ્સ્ટીનના નેટવર્કના બાકીના સભ્યોએ 9/11 જેવી ઘટના બનાવવા અને એના માટે ઈરાનને દોષી ઠેરવવાનું કાવતરું ઘડ્યું છે.

અલી લારીજાનીએ ઉમેર્યું હતું કે ‘તેહરાન આતંકવાદનો સખત વિરોધ કરે છે અને અમેરિકન જનતાને પોતાની દુશ્મન માનતો નથી. ઈરાન મૂળભૂત રીતે આવી આતંકવાદી યોજનાઓનો વિરોધ કરે છે અને એનું અમેરિકન લોકો સાથે કોઈ યુદ્ધ નથી.’

અલી લારીજાનીની આ કમેન્ટ્સ એવા સમયે આવી છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકા અને ઇઝરાયલે ઈરાની લક્ષ્યો પર હુમલા ચાલુ રાખ્યા છે, જ્યારે ઇઝરાયલે લેબૅનનમાં હિઝબુલ્લા પર પણ હુમલા શરૂ કર્યા છે. બદલામાં ઈરાને ઇઝરાયલ તરફ અનેક મિસાઇલો છોડી છે અને ઇરાક અને કુવૈતમાં અમેરિકાનાં ઠેકાણાંઓ પર હુમલાનો દાવો કર્યો છે.

9/11 હુમલામાં લગભગ ૩૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો

૨૦૦૧માં ૧૧ સપ્ટેમ્બરે થયેલો હુમલો આધુનિક ઇતિહાસના સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંનો એક હતો. એમાં લગભગ ૩૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા ૧૯ હાઇજૅકરોએ અમેરિકામાં ૪ પૅસેન્જર વિમાનોનો કબજો મેળવ્યો હતો અને એમાંથી બે વિમાનો સીધાં ન્યુ યૉર્ક સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ‍્વિન ટાવર્સમાં અથડાયાં હતાં. 

international news iran israel united states of america jeffrey epstein