13 January, 2026 10:48 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઈરાનમાં પ્રદર્શન દરમ્યાન માર્યા ગયેલા પ્રદર્શનકારીઓનાં શબ કાળાં કપડાંમાં લપેટાઈને પડેલાં જોઈ શકાય છે.
પત્રકારો સાથેની વાતચીતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઈરાનના પ્રદર્શનકારીઓ સાથે જે થઈ રહ્યું છે એના પર અમેરિકાની નજર છે. એવું લાગી રહ્યું છે કે ઈરાન સરકાર પ્રદર્શનો રોકવા માટે રેડ લાઇન ક્રૉસ કરી રહી છે. એને કારણે અમેરિકા કડક વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. ઈરાને અમેરિકાનો સંપર્ક કરીને વાતચીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. બેઠક ક્યારે કરવી એની વાતચીત ચાલી રહી છે, પરંતુ હાલત જોઈને એવું લાગે છે કે મારે પહેલાં કાર્યવાહી કરવી પડશે કેમ કે મોતનો આંકડો વધી રહ્યો છે.’
ધ વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ટ્રમ્પ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું માદુરો સ્ટાઇલમાં કિડનૅપિંગ કરે એવી સંભાવનાઓ છે, કેમ કે ટ્રમ્પે ઘણી વાર ઈરાનના પ્રદર્શનકારીઓ પર થતા અત્યાચાર સામે લાલ આંખ કરી છે.
ભારત સરકારે આપી ચેતવણી : ઈરાનમાં રહેતા ભારતીયો બહાર ન નીકળે
ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને સખત ચેતવણી આપી છે. વિદેશ સેક્રેટરી વિક્રમ મિસ્ત્રીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘ભારત ઈરાનમાં ચાલી રહેલાં ઘાતક વિરોધ-પ્રદર્શનો પર કડક નજર રાખી રહ્યું છે. ભારતીય નાગરિકો અને ખાસ કરીને પ્રવાસી ભારતીયોઓને સલાહ કે તેઓ ઘરની બહાર ન નીકળે અને ખુદને અશાંત વાતાવરણમાં ન ફસાવે.’
ઈરાનનાં વિરોધ-પ્રદર્શનોમાં ૫૪૪નાં મૃત્યુ
ઈરાને કહ્યું કે આ નાગરિકોનું પ્રદર્શન નથી, દેશ સામે આતંકી જંગ છે: ટ્રમ્પ ઈરાનના સુપ્રીમ લીડરનું માદુરો સ્ટાઇલમાં અપહરણ કરે એવી શક્યતાઓ નકારી શકાય નહીં
ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ-પ્રદર્શન વચ્ચે વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ હાલની પરિસ્થિતિને આતંકી યુદ્ધ ગણાવતાં કહ્યું હતું કે ‘ઈરાનમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ આતંકવાદી યુદ્ધ છે. આતંકવાદી તત્ત્વોએ સરકારી બિલ્ડિંગો, પોલીસથાણા પર હુમલા કર્યા છે અને આ ઘટનાઓ આયોજનબદ્ધ રીતે થઈ રહી છે. ઈરાની અધિકારીઓ પાસે એવા ઑડિયો-રેકૉર્ડિંગ છે જેમાં આતંકવાદીઓને સામાન્ય નાગરિકો અને સુરક્ષાદળો પર ગોળી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હોય.’
આ પહેલાં વિદેશપ્રધાને પ્રદર્શનકર્તાઓ પર પોલીસોને મારીને તેમને જીવતા સળગાવવાનો આરોપ મૂક્યો હતો અને ઇઝરાયલી ખુફિયા એજન્સી મોસાદનું ષડયંત્ર ગણાવીને હુમલાના વિડિયો શૅર કર્યા હતા.
ઈરાનના હ્યુમન રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ ઈરાનમાં અત્યાર સુધીમાં ૫૪૪ લોકોનાં મૃત્યુ થયાં છે અને એમાં ૮ બાળકો પણ છે. ૧૦,૬૮૧ લોકોને પકડી લેવામાં આવ્યા છે.