પ્રદર્શનકારીઓને જાહેરમાં ફાંસીની જાહેરાતથી તનાવ ચરમસીમાએ

15 January, 2026 02:54 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

ઈરાનમાં હાલત વધુ વણસી, ટ્રમ્પની ધમકીઓની કોઈ અસર નહીં

ઇરફાન સુલતાની

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાનમાં થતા વિરોધ-પ્રદર્શનને પ્રોત્સાહન આપે છે અને બીજી તરફ પ્રદર્શન કરતા લોકો પર હિંસા કરવાના મામલે આકરું વલણ દાખવશે એવી ધમકી પણ આપે છે. જોકે ઈરાનની સરકાર જાણે ગાંઠવાના મૂડમાં નથી. દેશવ્યાપી પ્રદર્શનોને ડામવા માટે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈએ મુખ્ય પ્રદર્શનકારીઓને જાહેરમાં ફાંસીએ લટકાવવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પની ધમકીઓને નજરઅંદાજ કરતાં ઈરાનની કોર્ટે વિરોધ-પ્રદર્શનોમાં પકડાયેલા લોકો પર ઝડપથી સુનાવણી કરીને મુખ્ય પ્રદર્શનકર્તાઓને ફાંસી આપવાનો સંકેત આપી દીધો છે. 

આ મામલે અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ઈરાન આવું કંઈક કરશે તો અમેરિકા ખૂબ જ સખત કાર્યવાહી કરી શકે છે. ગઈ કાલે તેહરાનમાં ૩૦૦ શબોને એકસાથે દફનાવવામાં આવ્યાં હતાં.
પ્રદર્શન માટે હજારો લોકોની ધરપકડ ઈરાને કરી છે. જોકે ૮ જાન્યુઆરીએ તેહરાન પાસેથી પકડાયેલા ઇરફાન સુલતાની પર મોહરેબેહ એટલે કે અલ્લાહ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ લાગ્યો છે જે ઈરાનમાં સૌથી ગંભીર ગણાય છે. આવો આરોપ સરકાર સામે વિદ્રોહ કે જંગ ભડકાવનારા દોષીઓ સામે લગાવવામાં આવે છે. ઇરફાન સુલતાનીને કોઈ ટ્રાયલ, વકીલ કે અપીલનો મોકો પણ નથી આપવામાં આવ્યો. તેના પરિવારજનોને કહી દેવામાં આવ્યું છે કે ઇરફાનને મોતની સજા થઈ છે અને ૧૪ જાન્યુઆરીએ સજાનો અમલ થશે. 

માનવઅધિકાર સંગઠનોના ઍક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે ફાસ્ટ-ટ્રૅક એક્ઝિક્યુશન એટલે કે ઝટપટ મોતની સજા આપવાનો હેતુ ડર ફેલાવવાનો છે જેથી બાકીના હજારો પ્રદર્શનકારીઓને ચૂપ કરાવી શકાય. 

ભારતીયો, જલદીથી ઈરાન છોડીને નીકળો  
ઈરાનમાં વધી રહેલી અનિશ્ચિતતા જોતાં ઈરાનના ભારતીય દૂતાવાસે ગઈ કાલે ભારતીયોને બને એટલી ઝડપથી કોઈ પણ રીતે ઈરાન છોડીને નીકળી જવા કહ્યું હતું. ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ‘કોઈ પણ ભારતીય નાગરિક; તે પછી સ્ટુડન્ટ હોય, તીર્થયાત્રી હોય, ટૂરિસ્ટ હોય કે વેપારી; જો આ સમયે તમે ઈરાનમાં છો તો અહીંથી જલદીમાં જલદી નીકળી જવું.’

international news world news iran united states of america donald trump