30 March, 2026 11:12 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
અમેરિકી નૌકાદળના બે અધિકારીઓનાં નામ અને ફોટો શૅર કર્યાં છે જેમણે મીનાબની સ્કૂલ પર ટોમાહૉક મિસાઇલના હુમલાનો આદેશ આપ્યો હતો
અમેરિકા અને ઇઝરાયલે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર કરેલા હુમલાના પહેલા દિવસે મીનાબ સ્કૂલ પર ટોમાહૉક મિસાઇલો છોડી હતી જેમાં સ્કૂલમાં ભણતી છોકરીઓ અને શિક્ષિકાઓ સહિત ૧૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઈરાને હવે આ હુમલા સંદર્ભમાં અમેરિકી નૌકાદળના બે અધિકારીઓનાં નામ અને ફોટો શૅર કર્યાં છે જેમણે મીનાબની સ્કૂલ પર ટોમાહૉક મિસાઇલના હુમલાનો આદેશ આપ્યો હતો. સાઉથ આફ્રિકામાં ઈરાનના દૂતાવાસ દ્વારા આ બે અધિકારીઓના ફોટો જાહેર કરીને તેમના પર હુમલાને સીધી રીતે અધિકૃત કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ સંદર્ભમાં એક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ઈરાને એક ફોટોગ્રાફ મૂક્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ‘આ બે ગુનેગારોને યાદ રાખો. કમાન્ડર લેઇ આર. ટેટ અને USS સ્પ્રુઅન્સના એક્ઝિક્યુટિવ ઑફિસર જેફરી ઈ. યૉર્ક. તેમણે ૩ વખત ટોમાહૉક મિસાઇલો છોડવાનો આદેશ આપ્યો હતો. શું તેમનાં પોતાનાં બાળકો નથી?’
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં ૨૮ ફેબ્રુઆરીના હુમલાને ઇરાદાપૂર્વકનું કૃત્ય ગણાવ્યું હતું. જિનીવામાં ચર્ચાને સંબોધતાં અરાગચીએ કહ્યું હતું કે યુદ્ધના પહેલા જ દિવસે મીનાબ સ્કૂલ પર હુમલો એક ગણતરીપૂર્વક, તબક્કાવાર હુમલો હતો જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઠંડા કલેજે મારી નાખવામાં આવ્યા હતા.
જો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાનમાં તેમના સૈનિકોને ઉતારીને ગ્રાઉન્ડ ઑપરેશનનો પ્રયાસ કરશે તો અમેરિકી સૈનિકો પર્શિયન ગલ્ફની શાર્ક માટે સારો ખોરાક બનશે એવી ચેતવણી ઈરાને આપી છે. આ સંદર્ભમાં ઈરાનનાં સશસ્ત્ર દળોના પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ જણાવ્યું હતું કે ‘ઈરાની સશસ્ત્ર દળો અમેરિકી સેનાને કચડી નાખવાની તકની રાહ જોઈ રહ્યાં છે. જો અમેરિકા ઈરાનમાં ગ્રાઉન્ડ ઑપરેશનનો પ્રયાસ કરશે તો અમેરિકી સૈનિકો પર્શિયન ગલ્ફની શાર્ક માટે સારો ખોરાક બનશે. ટ્રમ્પ ઇઝરાયલી વડા પ્રધાનના પ્યારા છે, એપ્સટિન કેસમાં તેમની પૃષ્ઠભૂમિને કારણે મોસાદના દબાણ હેઠળ છે.’