13 March, 2026 10:48 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
અમેરિકા-ઇઝરાયલના હુમલામાં તબાહ થઈ ગયેલા રહેણાક બિલ્ડિંગના કાટમાળમાંથી એક મહિલા પોતાની મહામૂલી ચીજો એકઠી કરી રહી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી ઈરાન હુમલાના જ મૂડમાં હતું, પરંતુ અમેરિકા અને ઇઝરાયલની યુદ્ધ પૂરું કરવાની તૈયારી પછી ઈરાનના રાષ્ટ્રપતિએ પણ શાંતિ માટેની તૈયારી બતાવી હતી. મધ્યપૂર્વ અને વૈશ્વિક તેલબજાર પ્રભાવિત થઈ રહ્યું છે ત્યારે રશિયા અને પાકિસ્તાન ઈરાનને મનાવવામાં લાગ્યાં છે. જોકે ઈરાને ૩ શરતો રાખી છે. એ છે તેમના અધિકારોને માન્યતા આપવામાં આવે, નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવે અને ભવિષ્યમાં હુમલો ન થાય એ માટેની ઇન્ટરનૅશનલ ગૅરન્ટી આપવામાં આવે. યુદ્ધ રોકવા માટે મનાવવા આવેલાં રશિયા-પાકિસ્તાન સામે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ૩ શરતો મૂકતાં સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું હતું કે આ ૩ શરતો જ અમેરિકા-ઇઝરાયલ સાથેના સંઘર્ષને ખતમ કરવાનો એકમાત્ર રસ્તો છે. તેમણે લખ્યું હતું કે ‘રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથેની વાતચીત દરમ્યાન ઈરાન પણ આ વિસ્તારમાં શાંતિ સ્થપાય એ માટે કટિબદ્ધ છે એ સ્પષ્ટ કરું છું. અમેરિકા અને યહૂદી રાજ્ય દ્વારા શરૂ થયેલી આ વૉરને પૂરી કરવાનો આ એકમાત્ર રસ્તો છે. એ છે ઈરાનને કાનૂની માન્યતા અને અધિકારો આપવામાં આવે, નુકસાનની ભરપાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ હુમલા સામે ઇન્ટરનૅશનલ ગૅરન્ટી.’
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદે ભારપૂવર્ક કહ્યું હતું કે સામાધન ત્યારે જ શક્ય છે જ્યારે દેશના પાયાના અધિકારોને માન્યતા મળે અને ભવિષ્યમાં થનારા હુમલાઓ સામે પાકી ગૅરન્ટી આપવામાં આવે.