06 January, 2026 09:55 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
અયાતુલ્લા અલી ખામેનેઈ
ઈરાનમાં વિરોધ-પ્રદર્શનો દિવસે-દિવસે વધી રહ્યાં છે ત્યારે ગુપ્તચર અહેવાલો જણાવે છે કે જો સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું શાસન તૂટી પડે તો તેઓ મૉસ્કો ભાગી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો ૮૬ વર્ષના ખામેનેઈની સુરક્ષા-એજન્સીઓ વધતા વિરોધ-પ્રદર્શનોને દબાવવામાં નિષ્ફળ જશે અથવા અશાંતિ વચ્ચે તેમને છોડી દેશે તો તેઓ તેહરાન છોડીને તેમના સહાયકો અને પરિવારના સભ્યો સાથે દેશ છોડીને ભાગી જશે.
જૂનમાં ઇઝરાયલ સાથેના ૧૨ દિવસના યુદ્ધ પછી ખામેનેઈ માનસિક અને શારીરિક રીતે નબળા પડી ગયા છે. ઈરાનમાં વધતી જતી આર્થિક કટોકટી, ફુગાવો અને કરન્સીના ઘટાડાને કારણે લોકોમાં રોષ ફેલાયો છે. તેહરાનમાં દુકાનદારો હડતાળ પર ઊતરી ગયા છે. વિરોધ-પ્રદર્શનો ઝડપથી દેશભરમાં ફેલાઈ ગયાં છે. લોકો મોંઘવારી સામે વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઊતરી આવ્યા છે અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઘણી જગ્યાએ આગચંપી કરવામાં આવી રહી છે.