13 July, 2025 12:12 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
ઈરાને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મારવાનો ફતવો જાહેર કર્યો છે અને ટ્રમ્પને મારનારને ૮૭૦ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. હત્યારા માટે ઈરાનના ચલણમાં ૧૦૦ અબજ તોમાનનું ઇનામ રાખવામાં આવ્યું છે, જે ભારતીય રૂપિયામાં આશરે ૮૭૦ કરોડ રૂપિયા છે. આ જાહેરાત ખુદ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના વિશ્વાસુ જાવેદ લારિજાનીએ કરી છે. ૨૦૨૦માં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ એ ટ્રમ્પ પર ગુસ્સે છે. એ સમયે ટ્રમ્પ પ્રેસિડન્ટ હતા અને તેમણે જ ઈરાની જનરલને નિશાન બનાવ્યા હતા. ઈરાને કહ્યું છે કે એ ટ્રમ્પને ક્યારેય માફ નહીં કરે અને આ હત્યાનો બદલો ચોક્કસ લેવામાં આવશે.
ઈરાનમાં ‘બ્લડ પૅક્ટ’ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ટ્રમ્પને મારવા માટે ભંડોળ એકઠું કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પને ભગવાનના દુશ્મન ગણાવવામાં આવ્યા છે. ટ્રમ્પને મારીને બદલો લેવા માટે લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.