ઈરાનનો ઇઝરાયલ પર હુમલો : ૯૯ ટકા ડ્રોન-મિસાઇલ તોડી પાડ્યાં ઇઝરાયલે

15 April, 2024 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇઝરાયલ પલટવાર કરે તો એનાથી મોટા હુમલાની ઈરાનની ચેતવણી, અમેરિકા સાથ આપે તો એના બેઝ પર પણ હુમલાની ધમકી : કાઉન્ટર-હુમલામાં ઇઝરાયલને અમેરિકા સાથ નહીં આપે

ઈરાને ફાયર કરેલા મિસાઇલને આંતરવા ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમ ઍક્શનમાં.

ઈરાનની સેનાએ ભારતીય સમય મુજબ શનિવારે વહેલી સવારે ૩ વાગ્યે ઇઝરાયલ પર આશરે ૩૦૦ જેટલાં ડ્રોન અને મિસાઇલથી અટૅક કર્યો હતો. ઇઝરાયલે આ હુમલાની માહિતી આપતાં જણાવ્યું હતું કે અમેરિકાની સેનાએ કેટલાંક ડ્રોન તોડી પાડ્યાં હતાં. બીજી તરફ ઇઝરાયલના આર્યન ડોમે ઈરાને છોડેલી મિસાઇલને અટકાવી હતી. આ હુમલામાં ઇઝરાયલના નેવાતિમ ઍરફોર્સ બેઝને થોડું નુકસાન પહોંચ્યું છે. હુમલાને કારણે મચેલી ભાગદોડમાં ૧૨ જણ ઘાયલ થયા છે, જેમાં ૭ વર્ષની એક બાળકી છે. ઈરાને કરેલા ડ્રોન-હુમલા પૈકી કેટલાંક ડ્રોનને સિરિયા અને જૉર્ડનમાં તોડી પાડવામાં આવ્યાં હતાં. હુમલાને રોકવામાં સફળતા મળ્યા બાદ ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે આપણે ઈરાનનાં ડ્રોન-મિસાઇલના હુમલાને રોકી દીધો છે. આપણે સાથે મળીને જીતી જઈશું.

શા માટે હુમલો?
પહેલી એપ્રિલે ઇઝરાયલે સિરિયામાં આવેલી ઈરાનની એમ્બેસી પાસે ઍર-સ્ટ્રાઇક કરી હતી અને એમાં ઈરાનના ટોચના બે આર્મી કમાન્ડર્સ સહિત ૧૩ જણનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાનો બદલો લેવા ઈરાને ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી. 

૯૯ ટકા ડ્રોન-મિસાઇલ અટકાવી દેવાયાં

ઈરાનના હુમલાને કેવી રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યો એ વિશે જાણકારી આપતાં ઇઝરાયલી મિલિટરીના પ્રવક્તા રિયર ઍડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે ૩૦૦ જેટલાં ડ્રોન અને મિસાઇલના અટૅક પૈકી ૯૯ ટકાને આંતરવામાં અમને સફળતા મળી હતી. આ એક વ્યૂહાત્મક સફળતા છે. ઈરાને પહેલાં ૧૩૦ ડ્રોન, ૩૦ ક્રૂઝ મિસાઇલ અને ૧૨૦ બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી. ઘણી બૅલિસ્ટિક મિસાઇલ ઇઝરાયલ વિસ્તારમાં પ્રવેશી હતી જેથી ઍરબેઝને થોડું નુકસાન થયું છે.

ઇઝરાયલના કોસ્ટલ શહેર નેતન્યાના દરિયામાં પૅટ્રોલિંગ કરતું ઇઝરાયલનું યુદ્ધજહાજ.

ઈરાનમાં સરકારને ધન્યવાદ

ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાનની સંસદમાં રવિવારે સવારે બેઠક બોલાવવામાં આવી હતી અને એમાં સાંસદોએ ‘ડેથ ટુ ઇઝરાયલ, ડેથ ટુ અમેરિકા’ના નારા લગાવ્યા હતા. સાંસદોએ સરકારને આ હુમલા બદલ ધન્યવાદ આપ્યા હતા. ઈરાને આ હુમલાને ‘ઑપરેશન ટુ પ્રૉમિસ’ નામ આપ્યું છે. ઈરાને કહ્યું હતું કે પહેલી એપ્રિલે કરવામાં આવેલા હુમલાનો આ જવાબ છે અને એની સાથે આ મામલાને ખતમ માનવામાં આવે.

૮૩૬ કરોડના નુકસાનનો દાવો

ઈરાને કહ્યું કે અમારા હુમલામાં ઇઝરાયલને આશરે ૮૩૬ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મિસાઇલોએ ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે.

ઇઝરાયલની ઍરફોર્સનું માનવરહિત ડ્રોન ઈરાનના હુમલાઓને ખાળવા આકાશમાં.

અમેરિકાને ચેતવણી

ઇઝરાયલને વળતો હુમલો કરવામાં અમેરિકા જો સાથ આપશે તો એના બેઝ પર હુમલો કરવામાં આવશે એવું ઈરાને જણાવ્યું છે. ઈરાનની સેનાના કમાન્ડર મોહમ્મદ વઘેરીએ ટીવી-મુલાકાતમાં કહ્યું હતું કે જો ઇઝરાયલ વળતો હુમલો કરશે તો અત્યાર કરતાં મોટો હુમલો થશે. બીજી તરફ યુનાઇટેડ નેશન્સમાં ઈરાનના ઍમ્બૅસૅડર આમિર સઈદે કહ્યું કે જો ઇઝરાયલ વળતો હુમલો કરશે તો અમે વધુ મોટો હુમલો કરીશું.

કાઉન્ટર-અટૅકમાં ઇઝરાયલને અમેરિકાનો સાથ નહીં
ઈરાનના હુમલા બાદ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે જો ઇઝરાયલ કોઈ જવાબી કાર્યવાહી કરવાનું વિચારતી હોય તો અમેરિકા એમાં સાથ નહીં આપે. ઇઝરાયલ જો ઈરાન પર હુમલો કરશે તો અમેરિકા એનો વિરોધ કરશે.

ઍર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ
ઍર ઇન્ડિયાએ ઇઝરાયલ જનારી મુંબઈ અને દિલ્હીથી સીધી ફલાઇટ્સને આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે. એ સિવાય આ ઍરલાઇન ઇઝરાયલના ઍર-સ્પેસનો પણ ઉપયોગ નહીં કરે.

international news iran israel