સરકાર સામેના વિરોધમાં ઊતરેલી મહિલાને પહેલી વાર ફાંસી આપશે ઈરાન

18 April, 2026 09:06 AM IST  |  Tehran | Gujarati Mid-day Correspondent

જોકે હજી સુધી ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી

બિતા હેમાતી તેના પતિ મોહમ્મદરેઝા માજિદ અસલ સાથે

ઈરાની સરકાર તાજેતરનાં વિરોધ-પ્રદર્શનોના સંદર્ભમાં પ્રથમ મહિલા વિરોધ પ્રદર્શનકારી બિતા હેમાતીને ફાંસી આપવાની તૈયારી કરી રહી છે. તે છેલ્લા એક વર્ષમાં ઇસ્લામિક રિપબ્લિક દ્વારા મૃત્યુદંડની સજા પામેલા અંદાજિત ૧૬૦૦ લોકોમાંની એક છે. જોકે હજી સુધી ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી.

નૅશનલ કાઉન્સિલ ઑફ રેઝિસ્ટન્સ ઑફ ઈરાને જણાવ્યું હતું કે સરકારે બિતા પર વિસ્ફોટકો અને શસ્ત્રોના ઉપયોગનો, કૉન્ક્રીટ બ્લૉક જેવી વસ્તુઓ ફેંકવાનો, વિરોધ-પ્રદર્શનોમાં ભાગ લેવાનો અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવાનો આરોપ મૂક્યો છે.

વિરોધ-પ્રદર્શનો બાદ બિતાના પતિ મોહમ્મદરેઝા માજિદ અસલ અને બે અન્ય પુરુષો બેહરોઝ અને કુરોશ ઝમાનીનેજાદને ઉતાવળે હાથ ધરવામાં આવેલી ટ્રાયલ પછી ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. બીજા બે પુરુષો આ દંપતીના બિલ્ડિંગમાં રહેતા હતા. બિતાના સંબંધીને રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ભેગા થવા અને કાવતરું ઘડવા તેમ જ સરકાર વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

અમેરિકાસ્થિત માનવ-અધિકાર કાર્યકર ન્યુઝ-એજન્સીના જણાવ્યા અનુસાર ઈરાની સરકારે બિતા પર અમેરિકાની શત્રુસરકાર અને શત્રુસમૂહો માટે કામ કરવાનો આરોપ મૂક્યો હતો. આખા ગ્રુપની તેહરાનમાં ધરપકડ કરવામાં આવી હતી. 

iran united states of america israel international news world news news