ઈરાને ૨૨૪૭ કરોડ રૂપિયાનાં ૩ અમેરિકન રીફ્યુઅલિંગ વિમાનોનો નાશ કર્યો, સૅટેલાઇટ તસવીરો સામે આવી

29 March, 2026 12:37 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અમેરિકાનાં આશરે ૨૪ વિમાન નાશ પામ્યાં છે જેમાં ફાઇટર જેટ, ટૅન્કર વિમાન અને ડ્રોનનો સમાવેશ છે.

સૅટેલાઇટ તસવીરો

ઈરાને સાઉદી લશ્કરી બેઝ પર કરેલા હુમલામાં ૩ અમેરિકન રીફ્યુઅલિંગ વિમાનોનો નાશ કર્યો છે. ૭૯ મિલ્યન ડૉલર (આશરે ૭૪૯ કરોડ રૂપિયા)થી વધુની કિંમત ધરાવતાં KC-135 સ્ટ્રેટોટૅન્કર એરિયલ રીફ્યુઅલિંગ વિમાન પ્રિન્સ સુલતાન ઍરબેઝ પર નાશ પામ્યાં હતાં. આ ૩ વિમાનોની કુલ કિંમત ૨૨૪૭ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ સંદર્ભમાં સૅટેલાઇટ તસવીરો પણ સામે આવી છે.

ઈરાનની બે સૌથી મોટી સ્ટીલ ફૅક્ટરીઓ, એક પાવરપ્લાન્ટ અને નાગરિક પરમાણુ સ્થળો પર ઇઝરાયલના હુમલા પછી ઈરાને આ હુમલો કર્યો હતો. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં અમેરિકાનાં આશરે ૨૪ વિમાન નાશ પામ્યાં છે જેમાં ફાઇટર જેટ, ટૅન્કર વિમાન અને ડ્રોનનો સમાવેશ છે. આ નુકસાન આશરે એક અબજ ડૉલર (આશરે ૯૦,૦૦૦ કરોડ) રૂપિયાથી વધારે થાય છે.

ઈરાનની ખાડી દેશોને ચેતવણી, અમારા દુશ્મનોને તમારી જમીન પરથી યુદ્ધ કરવાની પરવાનગી ન આપો

ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધની વચ્ચે ખાડી દેશોને ચેતવણી આપી છે કે ‘જો તમે પોતાની સુરક્ષા ઇચ્છો છો તો તમારી જમીન પરથી અમારા દુશ્મનોને યુદ્ધ કરવાની પરવાનગી આપશો નહીં. અમે ઘણી વાર કહ્યું છે કે ઈરાન કોઈ પણ પ્રકારના હુમલા કરતું નથી, પરંતુ જો અમારી માળખાગત સુવિધાઓ અથવા આર્થિક કેન્દ્રોને નિશાન બનાવવામાં આવશે તો અમે એનો સખત જવાબ આપીશું. જો તમે વિકાસ અને સુરક્ષા ઇચ્છતા હો તો અમારા દુશ્મનોને તમારી ભૂમિ પરથી યુદ્ધ કરવા ન દો.’

ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ યુદ્ધ શરૂ થયા બાદ પહેલી વાર  ઇઝરાયલ પર મિસાઇલો છોડી

ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઇઝરાયલ પર મિસાઇલ હુમલાની જવાબદારી લીધી છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ પહેલી વાર તેમણે યુદ્ધમાં ભાગ લીધો છે. આ સંદર્ભમાં હૂતી સૈન્યના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ ટેલિવિઝન પર પ્રસારિત ભાષણમાં કહ્યું હતું કે ‘જો ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા ચાલુ રહેશે તો યમન આ યુદ્ધમાં ઊતરવા તૈયાર છે. જો રેડ સીનો ઉપયોગ ઈરાન પર હુમલા કરવા માટે કરવામાં આવે તો તેઓ લશ્કરી હસ્તક્ષેપ કરવા તૈયાર છે. અમારી આંગળીઓ સીધી ટ્રિગર પર છે. જો ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રહે તો હૂતીઓ કાર્યવાહી કરવા તૈયાર છે.’ હૂતીઓ યમનથી દૂર લક્ષ્યો પર હુમલો કરી શકે છે અને અરબી દ્વીપકલ્પની આસપાસ શિપિંગ લેનને વિક્ષેપિત કરી શકે છે. લેબૅનન અને ઇરાકમાં ઈરાનના શિયા સાથીઓ પહેલેથી જ ઈરાન સાથે જોડાઈ ચૂક્યા છે. 

મુસ્લિમોની ભૂમિ પરથી અમેરિકી સૈનિકોનો નાશ કરવાની ઈરાનની પ્રતિજ્ઞા, કુવૈતમાં અમેરિકન બેઝ પર હુમલો

ઈરાને મિડલ ઈસ્ટમાં અમેરિકી બેઝ પર મોટા હુમલા કર્યા છે, જેના પરિણામે કુવૈતમાં ૬ અમેરિકન સૈનિકોનાં મોત થયાં છે. ઈરાનના લશ્કરી પ્રવક્તા ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ જણાવ્યું હતું કે ‘તેહરાને કુવૈતના બુબિયાન ટાપુ પર અમેરિકી કર્મચારીઓને નિશાન બનાવીને સંયુક્ત ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલામાં આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકી આતંકવાદી સૈનિકો પર હુમલા ચાલુ રહેશે, જ્યાં સુધી મુસ્લિમોની ભૂમિ પરથી તેમનો સંપૂર્ણ નાશ ન થાય.’આ હુમલામાં મોટી સંખ્યામાં અમેરિકી મરીન સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં કુવૈત સિવાય કતર, બાહરિન અને સાઉદી અરેબિયામાં અમેરિકી બેઝને નોંધપાત્ર નુકસાન થયું છે. ડ્રોન અને મિસાઇલ હુમલાઓમાં રડાર સિસ્ટમ, ઍરક્રાફ્ટ હૅન્ગર અને સંદેશવ્યવહાર પ્રણાલીઓને નિશાન બનાવવામાં આવી છે. 

international news world news iran israel united states of america middle east crisis