અમેરિકન ફિફ્થ નેવી ફ્લીટ પર ઈરાનનો બૉમ્બમારો, ૨૧ સૈનિકોનાં મોત

09 March, 2026 11:57 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. એને બદલે એ વધુ તીવ્ર બન્યું છે

તેહરાન ટાઇમ્સના સોશ્યલ મીડિયા પર બાહરિનમાં આવેલા અમેરિકાના નેવલ સપોર્ટ હેડક્વાૅર્ટરને ડૅમેજ કર્યાની તસવીરો શૅર થઈ હતી.

ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. એને બદલે એ વધુ તીવ્ર બન્યું છે. ઈરાની સૈન્યએ અમેરિકાની ફિફ્થ નેવી ફ્લીટ પર હુમલો કરવાનો દાવો કર્યો છે, જેમાં ૨૧ સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા અન્ય ઘાયલ થયા હતા. ઇઝરાયલે રાતોરાત ઈરાનના તેલડેપો ઉડાવી દીધા પછી આ ઘટના બની હતી.

ઈરાને બાહરિનની રાજધાની મનામાના જુફેર વિસ્તારમાં અમેરિકન નેવી ફિફ્થ ફ્લીટના મુખ્યાલય પર આ હુમલો કર્યો હતો. ઈરાની મીડિયાએ હુમલા પછી આગ દર્શાવતો એક વિડિયો જાહેર કર્યો હતો. નેવલ સપોર્ટ ઍક્ટિવિટી બાહરિનમાં આવેલો અમેરિકન નેવીનો ફિફ્થ ફ્લીટ, મિડલ ઈસ્ટમાં અમેરિકાનો સૌથી મહત્ત્વપૂર્ણ લશ્કરી બેઝ માનવામાં આવે છે.

ફિફ્થ ફ્લીટ: અમેરિકાનો સૌથી મહત્ત્વપૂર્ણ લશ્કરી બેઝ

આ અમેરિકન નૌકાદળનો કાફલો પર્શિયન ગલ્ફ, રેડ સી અને અરબી સમુદ્ર સહિત આશરે પચીસ લાખ ચોરસ માઇલ દરિયાઈ વિસ્તારનું નિરીક્ષણ કરે છે. એની મુખ્ય ભૂમિકા વેપાર અને તેલપુરવઠાનું રક્ષણ કરવાની અને વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોનું રક્ષણ કરવાની છે, જે વિશ્વના તેલનો નોંધપાત્ર હિસ્સો વહન કરે છે. આ કાફલામાં સામાન્ય રીતે નૌકાદળના ૮૦૦૦થી વધુ સૈનિકો તહેનાત છે. આ સિવાય અસંખ્ય યુદ્ધજહાજો, વિમાનવાહક જહાજો, સબમરીન અને ડ્રોન સિસ્ટમનો સમાવેશ થાય છે. ફિફ્થ ફ્લીટ ૪૦થી વધુ દેશોના દરિયાઈ ગઠબંધન, સંયુક્ત દરિયાઈ દળો સાથે પણ કામ કરે છે. એનું મિશન ચાંચિયાગીરી અટકાવવાનું, આતંકવાદ સામે લડવાનું અને વેપારી જહાજોનું રક્ષણ કરવાનું છે.

international news world news iran israel united states of america middle east crisis