23 June, 2025 08:55 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાએ ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થળો પર બૉમ્બમારો કર્યા બાદ ગઈ કાલે ઈરાનની સંસદે સ્ટ્રેટ ઑફ હૉર્મઝ બંધ કરવાની મંજૂરી આપી છે. જોકે અંતિમ નિર્ણય સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. આ સ્ટ્રેટને વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ ઑઇલ કૉરિડોર માનવામાં આવે છે, કારણ કે વૈશ્વિક ઑઇલ એક્સપોર્ટનો લગભગ ૨૦ ટકા હિસ્સો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. આ નિર્ણય પછી અન્ય દેશોમાં તેલના ભાવમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે.
હૉર્મઝ સ્ટ્રેટનું મહત્ત્વ શું છે?
હૉર્મઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને જોડે છે. એ વિશ્વના સૌથી વ્યસ્ત અને સૌથી સંવેદનશીલ તેલ માર્ગોમાંનો એક પણ છે. સાઉદી અરેબિયા, કુવૈત, ઇરાક, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને કતાર જેવા દેશોની મોટા ભાગની ઑઇલની નિકાસ આ માર્ગ દ્વારા થાય છે.
આ માર્ગ લગભગ ૯૬ માઇલ (આશરે ૧૫૫ કિલોમીટર) લાંબો છે અને સૌથી સાંકડા બિંદુ પર એની પહોળાઈ ફક્ત ૨૧ માઇલ (આશરે ૩૪ કિલોમીટર) છે. આ જળમાર્ગમાં બન્ને બાજુથી અવરજવર માટે ફક્ત બે માઇલના શિપિંગ લેન છે જેને ઈરાન ગમે ત્યારે બંધ કરી શકે છે. એને બંધ કરવાના નિર્ણય પછી હવે એ વાત ચોક્કસ છે કે ક્રૂડ ઑઇલના ભાવ આસમાને પહોંચી શકે છે, કારણ કે જહાજોની અવરજવરમાં સમસ્યાઓ આવશે અને પરિવહન ખર્ચ અનેકગણો વધશે.