14 March, 2026 12:43 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે બુધવારે G7 નેતાઓ સાથેના ફોનકૉલમાં દાવો કર્યો હતો કે ઈરાન શરણાગતિ સ્વીકારવા જઈ રહ્યું છે. આ જ કૉલમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેહરાનમાં લડાઈ ચાલુ રાખવી કે નહીં એ નક્કી કરવા માટે કોઈ અધિકારી જીવિત નથી. અન્ય એક પ્રેસ-કૉન્ફરન્સમાં ટ્રમ્પે એ પણ દાવો કર્યો હતો કે હું ઇચ્છું તો બે કલાકમાં યુદ્ધ બંધ કરાવી શકું એમ છું.
જોકે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળ્યા બાદ તેમનું પહેલું જાહેર નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં પ્રતિજ્ઞા લીધી હતી કે દેશ લડાઈ ચાલુ રાખશે.
ઈરાની શાસને નિકટવર્તી શરણાગતિ કે પતનના કોઈ સંકેતો દર્શાવ્યા નથી અને ગઈ કાલે યુદ્ધના ૧૪મા દિવસે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની ધમકી આપી હતી.
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન સાથેના સંઘર્ષમાં તીવ્રતા આવતાં ખામેનેઈએ શ્રેણીબદ્ધ ચેતવણી આપી હતી. ઈરાની ટેલિવિઝન પર એક ન્યુઝ-ઍન્કર દ્વારા વાંચવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ઈરાનના શહીદોનો બદલો અમે લઈને જ જંપીશું.