અનૈતિકતા અને દુષ્કર્મો અટકાવવા અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ અને મોબાઇલ-સર્વિસ બંધ

01 October, 2025 09:02 AM IST  |  Afghanistan | Gujarati Mid-day Correspondent

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે આખા દેશમાં ઇન્ટરનેટ અને મોબાઇલ-સર્વિસ બંધ કરીને સંપૂર્ણપણે કમ્યુનિકેશન સિસ્ટમ ઠપ કરી નાખી હતી

તાલિબાને આખા અફઘાનિસ્તાનમાં ટેલિકમ્યુનિકેશન-સર્વિસ બંધ કરી દીધી હોવાથી દુકાનો પણ બંધ રહી હતી.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે આખા દેશમાં ઇન્ટરનેટ અને મોબાઇલ-સર્વિસ બંધ કરીને સંપૂર્ણપણે કમ્યુનિકેશન સિસ્ટમ ઠપ કરી નાખી હતી. તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદજાદાએ સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં અનૈતિકતા અને ખરાબ કામો રોકવા માટે કેટલાક પ્રાંતોમાં હાઈ-સ્પીડ કનેક્શન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ઇન્ટરનેટનું નિયંત્રણ કરતી સંસ્થા નેટબ્લૉક્સના જણાવ્યા અનુસાર સોમવાર રાતથી જ દેશભરમાંથી મોબાઇલ ફોનનાં સિગ્નલ અને ઇન્ટરનેટ-સર્વિસ ધીમે-ધીમે નબળાં થઈ ગયાં હતાં. મંગળવારે તો ઇન્ટરનેટની સાથે-સાથે ટેલિફોન-સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હતી. તાલિબાન સરકારનું કહેવું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ દુષ્કર્મો માટે થતો હોવાથી એને નાથવા માટે આમ કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ સંચારવ્યવસ્થા બંધ છે, પરંતુ તાલિબાન સરકારે કોઈ સ્પષ્ટીકરણ નથી આપ્યું. મોબાઇલ ચાલતો ન હોવાથી દેશમાં સંપૂર્ણપણે છુટ્ટીનો માહોલ થઈ ગયો હતો. મંગળવારે યુનાઇટેડ નેશન્સે પણ તાલિબાન સરકારને અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ અને ટેલિકૉમ-સર્વિસ તરત પાછાં ચાલુ કરવાની અપીલ કરી હતી. 

international news world news afghanistan social media sexual crime taliban