લેબૅનનમાં ડ્યુટી કરતાં ભારતનાં મેજર ​અભિલાષા બરાકને UNનો પ્રતિષ્ઠિત અવૉર્ડ

08 June, 2026 11:48 AM IST  |  United Nations | Gujarati Mid-day Correspondent

ભારતીય સેનાનાં પ્રથમ મહિલા કૉમ્બૅટ હેલિકૉપ્ટર પાઇલટને મિલિટરી જેન્ડર ઍડ્વોકેટ ઑફ ધ યર અવૉર્ડથી નવાજવામાં આવ્યાં, નરેન્દ્ર મોદીએ આપ્યાં અભિનંદન

લેબૅનનમાં મેજર અભિલાષા બરાક (વચ્ચે).

ભારતીય સેનાના ગૌરવ સમાન મેજર અભિલાષા બરાકને યુનાઇટેડ નેશન્સ (UN)ના પ્રતિષ્ઠિત ‘મિલિટરી જેન્ડર ઍડ્વોકેટ ઑફ ધ યર’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વિશેષ અભિનંદન આપ્યાં છે. વડા પ્રધાને કહ્યું હતું કે ‘આ સન્માન મેજર અભિલાષાની ઉત્કૃષ્ટ સેવા અને UNનાં શાંતિ અભિયાનોમાં ભારતના ઐતિહાસિક યોગદાનની વૈશ્વિક ઓળખ છે.’

મેજર અભિલાષા હાલ લેબૅનનમાં યુનાઇટેડ નેશન્સના મિશન અંતર્ગત સેવા આપી રહ્યાં છે. લેબૅનનમાં મહિલાઓ અને બાળકીઓ વચ્ચે સુરક્ષા અને સહયોગ વધારવાની તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને આ આંતરરાષ્ટ્રીય અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 

કોણ છે મેજર અભિલાષા બરાક?

હરિયાણાના રોહતકનાં વતની અને નિવૃત્ત કર્નલનાં પુત્રી મેજર અભિલાષા જૂન ૨૦૨૫થી લેબૅનનમાં UN મિશન અંતર્ગત ‘એન્ગેજમેન્ટ ટીમ કમાન્ડર’ અને ‘જેન્ડર ફોકલ પૉઇન્ટ’ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. લેબૅનનમાં તેમણે હજારો મહિલાઓ અને બાળકીઓને વ્યાવસાયિક ટ્રેઇનિંગ અને એજ્યુકેશન આપીને તેમની આર્થિક સુરક્ષા-વ્યવસ્થા મજબૂત કરી છે. ભારતીય સેનામાં પ્રથમ મહિલા કૉમ્બેટ એવિયેટર ઉપરાંત મેજર અભિલાષા મેજર સુમન ગવાની (૨૦૧૯) અને મેજર રાધિકા સેન (૨૦૨૩) બાદ આ ઍવૉર્ડ મેળવનારાં ત્રીજાં ભારતીય મહિલા ઑફિસર બન્યાં છે.

શું છે મિલિટરી જેન્ડર ઍડ્વોકેટ ઑફ ધ યર અવૉર્ડ?

૨૦૧૬માં શરૂ થયેલો UNનો ‘મિલિટરી જેન્ડર ઍડ્વોકેટ ઑફ ધ યર’ અવૉર્ડ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ અભિયાન દરમ્યાન મહિલા સશક્તીકરણ અને સમાનતા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સૈન્ય અધિકારીઓને આપવામાં આવી છે. આ સન્માનનો હેતુ મહિલાઓ અને બાળકીઓનું રક્ષણ કરીને શાંતિપ્રક્રિયામાં તેમની ભાગીદારી વધારવા તેમ જ અધિકારીઓના સાહસ-બલિદાનને બિરદાવવાનો છે. 

international news world news united nations indian army haryana