નેપાલમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓનો જીવ બચાવનાર પ્રિન્સિપાલની સ્કૂલ ફરીથી બનાવી આપશે ભારત

04 September, 2026 03:08 PM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

હવે આખું કૅમ્પસ પૂરનાં પાણીમાં ધોવાઈ જતાં ભારતે આ સ્કૂલના સંપૂર્ણ પુનઃનિર્માણ માટે ટેકો આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.

પ્રિન્સિપાલ

નેપાલના નુવાકોટ જિલ્લામાં અચાનક આવેલા વિનાશક પૂર પહેલાં જ ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડનાર પ્રિન્સિપાલની સ્કૂલને ફરીથી બનાવવા ભારતે મહત્ત્વની જાહેરાત કરી છે. નેપાલમાં ભારતના રાજદૂતે નવીન શ્રીવાસ્તવે મંગળવારે ત્રિભુવન ત્રિશુલી સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીની મુલાકાત લઈને તેમના સાહસિક નિર્ણયની ભારે પ્રશંસા કરી હતી.
ગયા મહિને ૨૬ ઑગસ્ટે ત્રિશુલી ખીણમાં ભયાનક પૂર આવ્યું હતું. પૂરની ચેતવણી મળતાં જ રાજેન્દ્ર દવાડીએ જરાય વિલંબ કર્યા વિના સ્કૂલની બેલ વગાડીને તાત્કાલિક કૅમ્પસ ખાલી કરાવ્યું હતું. તેમણે આ નિર્ણય લીધાની માત્ર ૧૦ મિનિટમાં જ પૂરનાં ધસમસતાં પાણીએ સ્કૂલ અને ૧૦૦ મીટર દૂર આવેલી હૉસ્ટેલને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જો ૧૦ સેકન્ડ પણ મોડું થયું હોત તો કોઈ જીવતું ન બચ્યું હોત.
આ સ્કૂલના નવા ભવનનું નિર્માણ ૨૦૨૨માં ભારતની હાઈ ઇમ્પૅક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (HICDP) ગ્રાન્ટ હેઠળ કરવામાં આવ્યું હતું. હવે આખું કૅમ્પસ પૂરનાં પાણીમાં ધોવાઈ જતાં ભારતે આ સ્કૂલના સંપૂર્ણ પુનઃનિર્માણ માટે ટેકો આપવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.

international news world news nepal indian government