ભારતે ૬૩,૦૦૦ કરોડમાં ખરીદ્યાં ૨૬ રફાલ મરીન, તમામને INS વિક્રાંત પર કરવામાં આવશે તહેનાત

29 April, 2025 02:41 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારત રફાલ મરીન વિમાનોને INS વિક્રાંત પર તહેનાત કરશે.

રફાલ

ભારત અને ફ્રાન્સ વચ્ચે સોમવારે નવી દિલ્હીમાં ૨૬ રફાલ મરીન વિમાનના કરાર પર ભારત તરફથી રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કરાર હેઠળ ભારત ફ્રાન્સના બાવીસ સિંગલ સીટર વિમાન અને ચાર ડબલ સીટર વિમાન ખરીદશે. આ વિમાન પરમાણુ બૉમ્બ ફાયર કરવાની ક્ષમતાથી સજ્જ હશે. ફ્રાન્સ સાથેનો આ કરાર લગભગ ૬૩,૦૦૦ કરોડ રૂપિયામાં થઈ રહ્યો છે. શસ્ત્રખરીદીના સંદર્ભમાં ફ્રાન્સ સાથે ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો કરાર છે.

આ વિમાનની ખરીદીને પહલગામ હુમલા બાદ ૨૩ એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કૅબિનેટમાં કમિટી ઑન સિક્યૉરિટી (CCS) બેઠકમાં મંજૂરી મળી હતી. આ વિમાનની ડિલિવરી ૨૦૨૮-’૨૯માં શરૂ થશે અને ૨૦૩૧-’૩૨ સુધી તમામ વિમાન ભારત પહોંચી જશે. ભારત રફાલ મરીન વિમાનોને INS વિક્રાંત પર તહેનાત કરશે.

આ વિમાનમાં ભારતની જરૂરિયાત મુજબ બદલાવ કરવામાં આવ્યા છે જેમાં ઍન્ટિ-શિપ સ્ટ્રાઇક, ન્યુક્લિયર હથિયાર લૉન્ચ કરવાની ક્ષમતા અને ૧૦ કલાક સુધી ફ્લાઇટ રેકૉર્ડ કરવા જેવાં ફીચર સામેલ છે. આ સિવાય કંપની ભારતની હથિયારપ્રણાલી, સ્પેર પાર્ટ્સ અને ઍરક્રાફ્ટ માટે જરૂરી ટૂલ્સ પણ આપશે.

international news world news france indian army indian air force