14 January, 2026 10:10 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી શકે છે : આ પહેલાં પણ બે વાર નિર્ણય ટાળવામાં આવ્યો હતોઃ નિષ્ણાતોનું કહેવું છે કે જેટલું ડિલે થશે એટલો ચુકાદો ટ્રમ્પતરફી થવાની સંભાવના વધુ
અમેરિકાની રાજનીતિ અને અર્થવ્યવસ્થા હાલમાં ખૂબ જ સંવેદનશીલ વળાંક પર ઊભી છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની મનપસંદ ટૅરિફનીતિ હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂકી છે. આ મામલો માત્ર કાનૂની જ નથી, પરંતુ એની અસર અમેરિકાની આર્થિક સંરચના અને વૈશ્વિક વેપાર-વ્યવસ્થા પર અસર કરશે.
ટ્રમ્પની સરકારે ઇન્ટરનૅશનલ ઇમર્જન્સી ઇકૉનૉમિકલ પાવર્સ ઍક્ટ (IEEPA) અંતર્ગત પોતાના ઇમર્જન્સી અધિકારોનો યોગ્ય ઉપયોગ કર્યો છે કે નહીં એ વિશે હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે. ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું આગળ કરીને મોટા પાયે આયાત-ફી લગાવી હતી. આ ટૅરિફ દ્વારા અમેરિકાએ સેંકડો અબજો ડૉલરની વસૂલી કરી છે અને અનેક દેશો પર આર્થિક દબાણ પણ બનાવ્યું. આ કેસ એટલા માટે પણ ઐતિહાસિક છે કેમ કે પહેલી વાર અમેરિકાની સુપ્રીમ કોર્ટ એ નક્કી કરશે કે રાષ્ટ્રપતિની ઇમર્જન્સી પાવરની મર્યાદા ક્યાં સુધીની છે. જો કોર્ટે સ્પષ્ટ મર્યાદાઓ નિશ્ચિત કરી દીધી તો ભવિષ્યમાં કોઈ પણ રાષ્ટ્રપતિ આ રીતે મનમાની ટૅરિફ નહીં લગાવી શકે.
જો પોતાનો ટૅરિફનો દાવ દેશની સુપ્રીમ કોર્ટે ન સ્વીકાર્યો તો અમેરિકા બરબાદ થઈ જશે એવું ટ્રમ્પને ખુદને લાગવા લાગ્યું છે. અલબત્ત, નિષ્ણાતોનું કહેવું છે કે આવાં નિવેદનો જાહેર કરીને ટ્રમ્પ સુપ્રીમ કોર્ટ સામે પણ એક પ્રકારનું દબાણ ઊભું કરી રહ્યા છે.
ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘જો કોર્ટે ટૅરિફ રદ કરી દીધી તો અમેરિકાએ પહેલેથી વસૂલેલા સેંકડો અજબ ડૉલરો પાછા આપવા પડી શકે છે. એટલું જ નહીં, જે કંપનીઓ અને દેશોએ ટૅરિફથી બચવા માટે અમેરિકામાં ફૅક્ટરીઓ અને પ્લાન્ટ લગાવ્યા છે તેઓ પણ વળતરની માગણી કરી શકે છે. જો આ સંભવિત દાવાઓને જોડવામાં આવે તો નુકસાન ટ્રિલ્યન ડૉલર સુધી પહોંચી જઈ શકે છે. આ રકમ અમેરિકાના બજેટમાં વિસ્ફોટક કહી શકાય એટલું નુકસાન કરી શકે છે. આટલું મોટું રીફન્ડ માત્ર આર્થિક રીતે જ નહીં, મૅનેજમેન્ટની દૃષ્ટિથી પણ અસંભવ હશે.’
ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિ ટૅરિફ પર ટકી છે. જો આ નીતિ સુપ્રીમ કોર્ટમાં ન ચાલી તો ટ્રમ્પના નેતૃત્વ પર સીધો સવાલ ઊઠી શકે છે.