ટોક્યોમાં એકતા, વિવિધતા અને ખુશીની શાશ્વત ભાવના સાથે ઊજવાઈ હોળી

24 March, 2024 11:20 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

મુશળધાર વરસાદની વચ્ચે ૮૦૦થી વધુ ભારતીયો અને‌ વિદેશીઓએ રંગો, સંગીતના સૂરો અને નૃત્ય સાથે માણ્યો આ તહેવાર

ટોક્યોના રેઇનબો પ્લાઝા પાર્કમાં ગઈ કાલે હોળીની થઈ રહેલી ઉજવણી અને હોળીના રંગોની સાથે એને માણી રહેલાં ભારતીય મૂળનાં દીપાલી ઝવેરી તેમની દીકરી ખુશી સાથે

જપાનના ટોક્યોના રેઇનબો પ્લાઝા પાર્કમાં ગઈ કાલે સવારના દસથી સાંજે ચાર વાગ્યા સુધી મુશળધાર વરસાદ વચ્ચે ૮૦૦થી વધુ ભારતીયો અને‌ વિદેશીઓએ રંગો, સંગીતના સૂરો અને નૃત્ય સાથે હોળીનો આનંદ માણ્યો હતો. અહીં હોળીની એકતા, વિવિધતા અને ખુશીની શાશ્વત ભાવનાના ઉદ્દેશ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યાંના દેશ-વિદેશના લોકો અને સહેલાણીઓ માટે આ એક અવિસ્મરણીય અનુભવ અને આનંદનો યાદગાર તહેવાર બની ગયો હતો.  

જપાનના હોળીના ઉત્સવ અને આનંદની માહિતી આપતાં ૨૫ વર્ષથી ટોક્યોમાં રહેતાં દીપાલી ઝવેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી પુત્રી ખુશી સાથે આ ઉજવણીમાં હાજર રહી હતી. ધોધમાર વરસાદ અમારા હોળીના તહેવારની ઉજવણીના ઉલ્લાસ અને ઉમંગને જરાય અસર કરી શક્યો નહોતો. ઊલટાનું એને લીધે અહીં સૌએ આ તહેવારને મન મૂકીને માણ્યો હતો અને ઉજવણીને યાદગાર બનાવી હતી. હોળીના સારને સ્વીકારવા માટે વિવિધ સંસ્કૃતિના લોકોને એકસાથે આવતા જોવા એ આનંદદાયક દૃશ્ય હતું. વરસતા વરસાદ વચ્ચે અનેક કલાકારોએ તેમનાં પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક પ્રદર્શનથી ત્યાં જમા થયેલી જનમેદનીને મોહિત કરી દીધી હતી. આખા ઉદ્યાનમાં પથરાયેલા ખાદ્ય પદાર્થોના સ્ટૉલમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાતી હતી. એમાં ભારતીય વાનગીઓની સુગંધે વાતાવરણને આહ‍્લાદક બનાવી દીધું હતું.’

holi tokyo japan international news