H-1B વીઝાના વિવાદ વચ્ચે અમેરિકામાં ભારતીયો સામે નફરત વધી

29 December, 2025 10:54 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

૨૦૨૬માં અમેરિકામાં ભારતીયો પર મોટા હુમલા થવાની ચેતવણી

જમણેરી અમેરિકન પત્રકાર અને કાર્યકર મેટ ફોર્ની

એક અમેરિકન પત્રકારે ભારતીય-અમેરિકનોને તેમની સુરક્ષા માટે ભારત ડિપૉર્ટની હાકલ કરતી પોસ્ટ મૂકતાં વિવાદ જાગ્યો, ભારતીયોને ઑનલાઇન ધમકી મળવા માંડી હોવાથી અમેરિકન ઇન્ડિયન ગ્રુપે FBIની મદદ માગી

ભારતીયો દ્વારા જેનો સૌથી વધારે ઉપયોગ થાય છે એવા H-1B વીઝા પર વિવાદ વચ્ચે અમેરિકામાં ભારતીયોને ઑનલાઇન ધમકી મળી રહી છે એથી ઇન્ડિયન અમેરિકન ઍડ્વોકસી કાઉન્સિલ (IAAC)એ જણાવ્યું છે કે IAAC ભારતીયો સામે સામૂહિક હિંસાના કૉલની નિંદા કરે છે. આ રાજકારણ નથી, ઉશ્કેરણી છે અને એ વાસ્તવિક ભારતીય મૂળના લોકોના જીવને જોખમમાં મૂકે છે. અમે આ મુદ્દે અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) અને અન્ય અધિકારીઓને પગલાં લેવાની હાકલ કરીએ છીએ. અમેરિકામાં વસતા ભારતીય અમેરિકન સમુદાયને લક્ષ્ય બનાવતી ઑનલાઇન પોસ્ટ્સ ખતરનાક રેખા ઓળંગી રહી છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે છેલ્લા એક વર્ષથી ઇમિગ્રેશન સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

કાઉન્સિલે ભારતીય સમુદાયને લક્ષ્ય બનાવતી ઑનલાઇન પોસ્ટ્સ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. H-1B વર્ક વીઝામાં ૭૦ ટકાથી વધુ ભારતીયોનો હિસ્સો હોવાથી સોશ્યલ મીડિયા પર નફરતથી ભરેલી જાતિવાદી પોસ્ટ્સમાં વધારો જોવા મળ્યો છે. ઘણા યુઝર્સે ભારતીયો પર અમેરિકન નોકરીઓ ચોરી કરવાનો આરોપ પણ લગાવ્યો છે અને તેમને પાછા જવા માટે હાકલ કરી છે.

અમેરિકન પત્રકારે શું કહ્યું?

જમણેરી અમેરિકન પત્રકાર અને કાર્યકર મેટ ફોર્નીએ એક પોસ્ટમાં ચેતવણી આપી હતી કે ૨૦૨૬માં ભારતીયો અને હિન્દુ મંદિરો પર મોટા હુમલા થશે. તેણે તમામ ભારતીય-અમેરિકનોને તેમની સુરક્ષા માટે ભારત ડિપૉર્ટની હાકલ કરી હતી. જોકે વિવાદ વધતાં પોસ્ટ હવે ડિલીટ કરવામાં આવી છે, પણ એના સ્ક્રીનશૉટ વાઇરલ થયા છે. હવે ડિલીટ કરેલી પોસ્ટમાં ફોર્નીએ લખ્યું હતું કે ૨૦૨૬માં અમેરિકામાં ભારતીયો સામે નફરત ચરમસીમાએ પહોંચશે. ભારતીય મૂળના લોકો, તેમનાં ઘરો, વ્યવસાયો અને હિન્દુ મંદિરોને ગોળીબાર અને બૉમ્બવિસ્ફોટમાં નિશાન બનાવવામાં આવશે. આ હુમલાઓ ગોરા અમેરિકનો દ્વારા નહીં, પરંતુ આફ્રિકન-અમેરિકનો, હિસ્પેનિક-અમેરિકનો અથવા પાકિસ્તાની મૂળના લોકો દ્વારા કરવામાં આવશે. જેમ કોરોનાના રોગચાળા દરમ્યાન એશિયનો પરના હુમલાઓને દબાવવામાં આવ્યા હતા એમ મીડિયા આ ગુનાઓને છુપાવશે.  ફોર્નીએ પોતાને શાંતિપ્રિય અમેરિકન તરીકે વર્ણવતાં કહ્યું હતું કે ‘હું કોઈ પણ હિંસાની નિંદા કરું છું. એને રોકવાનો એકમાત્ર રસ્તો એ છે કે બધા ભારતીયોને તેમની પોતાની સલામતી માટે ડિપૉર્ટ કરવામાં આવે.’

international news world news united states of america donald trump