ગૂગલ અને ફેસબુકની અબજોની આવકમાં ધરખમ ઘટાડાની આશંકા

20 February, 2023 11:15 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટમાં ટેક કંપનીઓને જવાબદાર ગણવા માટે કરવામાં આવેલા કેસમાં ચાલી રહી છે સુનાવણી

પ્રતીકાત્મક તસવીર

વૉશિંગ્ટન : અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ચાલતા એક કેસની સુનાવણીને કારણે ઇન્ટરનેટમાં આવતી ઑનલાઇન જાહેરાતની આવકમાં ધરખમ ઘટાડો થઈ શકે છે. આ કેસ ગૂગલ સામે ગોન્ઝાલેઝ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે જેની સુનાવણી મંગળવારે થશે. એમાં એવી દલીલ કરવામાં આવી રહી છે કે ઍલ્ગરિધમ દ્વારા ભલામણ કરવામાં આવતી જાહેરાતો માટે ઇન્ટરનેટ કંપનીઓને જવાબદાર ગણાવી શકાય કે નહીં? હાલમાં ટેક કંપનીઓને સેક્શન ૨૩૦ અંતર્ગત આવા મામલે રક્ષણ મળે છે. 

ગ્રાહકોએ કરેલી કમેન્ટ અથવા જોયેલા વિડિયોના આધારે એને જાતજાતની જાહેરાતો દેખાડવામાં આવે છે. તો એને માટે આવી કંપનીઓને જવાબદાર ગણાવી શકાય કે નહીં એ મામલે હાલમાં ચર્ચા થઈ રહી છે. 

આ પણ વાંચો: તસવીર સૌજન્ય: નીલ મોહનનું લિન્ક્ડઇન એકાઉન્ટ YouTubeને મળ્યા ભારતીય મૂળના CEO, જાણો કોણ છે નીલ મોહન

ફેસબુક તેમજ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ આવી જાહેરાતના માધ્યમથી જ કમાણી કરે છે. સોશ્યલ મીડિયા કંપનીઓ આ કેસને પોતાના અસ્તિત્વ સામે જોખમ તરીકે જુએ છે. નવેમ્બર ૨૦૧૫માં પૅરિસમાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા ૧૩૦ લોકોમાં ૨૩ વર્ષના નોહેમી ગોન્ઝાલેટ પણ હતી, જેના પરિવારની દલીલ હતી કે આ માટે ગૂગલના યુટ્યુબને જવાબદાર ગણવું જોઈએ. ગૂગલે જાતે જ ઇસ્લામિક સ્ટેટ વિડિયોની ભલામણ મોકલી આપી હતી. જેના કારણે આતંકવાદ ફેલાય છે અને આતંકવાદી હિંસામાં લોકો મૃત્યુ પામે છે. હાલમાં ડિજિટલ જાહેરાતના ૫૦ ટકા ગૂગલ અને ફેસબુક મેળવે છે. સુપ્રીમ કોર્ટ જો પરિવારની તરફેણમાં ચુકાદો આપે તો ટેક કંપનીઓની હાલત બગડી શકે છે.

international news google united states of america washington facebook