પાકિસ્તાનમાં પોલીસ જતાં જ અચાનક પ્રકટ થયા ઇમરાન

06 March, 2023 11:47 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પોલીસ વડાએ કહ્યું કે ખાલી હાથે પાછા નહીં ફરીએ અને બીજી​ બાજુ ધરપકડથી બચવા પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ગાયબ થઈ ગયા હતા

લાહોરમાં ઇમરાનના ઘરની બહાર પોલીસ અધિકારીઓ.

લાહોર (પી.ટી.આઇ.) : પાકિસ્તાનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડની કોશિશને લઈને હાઈ ડ્રામા જોવા મળ્યો હતો. ઇસ્લામાબાદ પોલીસની એક ટીમ તોશખાના કેસમાં ગઈ કાલે ઇમરાનની ધરપકડ કરવા માટે લાહોરમાં તેમના નિવાસસ્થાને પહોંચી હતી. ઇમરાનની લીગલ ટીમ તરફથી ખાતરી આપવામાં આવી કે તેઓ સાતમી માર્ચે અદાલત સમક્ષ હાજર થશે, જેના પછી પોલીસ ટીમ પાછી ફરી હતી. 

પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે વૉરન્ટમાં ધરપકડનો કોઈ ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, કેમ કે ઇસ્લામાબાદ સેશન્સ કોર્ટે ઇમરાનને તોશખાના કેસમાં સાતમી માર્ચે એની સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

પંજાબ પોલીસની સાથે ઇસ્લામાબાદ પોલીસ ઇમરાનના ઘરે ગઈ કાલે બપોરે પહોંચી હતી. તેમણે જોયું કે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો છે. તેમને જણાવવામાં આવ્યું હતું કે પીટીઆઇના વડા અવેલેબલ નથી. 

આ પણ વાંચો: યુએનમાં ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

ઇસ્લામાબાદ પોલીસના વડાએ આ પહેલાં કહ્યું હતું કે તેઓ ખાલી હાથે નહીં જાય. જોકે, પોલીસ કરતાં પીટીઆઈના કાર્યકરો વધારે હોવાના કારણે ધરપકડ ના થઈ શકી. ઇસ્લામાબાદ પોલીસે ઇમરાનના ઘરેથી ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. 

લાહોરમાં ગઈ કાલે પોતાના નિવાસસ્થાને પીટીઆઈના કાર્યકરો અને સપોર્ટર્સને સંબોધતાં ઇમરાન ખાન.

એ પછી તરત જ ઇમરાન ક્યા છે એની ચર્ચા થવા લાગી ત્યારે એક કલાક સુધીની મિસ્ટ્રી બાદ સાંજે પાંચ વાગ્યા પહેલાં ઇમરાને તેમના નિવાસસ્થાનેથી જ પાર્ટીના કાર્યકરોને સંબોધ્યા હતા. પોતાના વફાદારોને સંબોધતા ઇમરાને કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈની સામે ઝૂક્યા નથી.

international news pakistan imran khan lahore