13 April, 2026 10:56 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિમંત્રણા નિષ્ફળ ગયા બાદ એક તરફ યુદ્ધ ફરી શરૂ થવાની શક્યતાઓ છે ત્યારે ભૂતપૂર્વ ડિપ્લોમૅટ મહેશ સચદેવે ચેતવણી આપી હતી કે જો ઈરાન સાથે સંઘર્ષ ચાલુ રહેશે તો અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગનો પ્રસ્તાવ આવી શકે છે. ટ્રમ્પની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે અને તેમનું રેટિંગ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે.
મહેશ સચદેવે જણાવ્યું હતું કે બે-તૃતીયાંશથી વધારે અમેરિકનો ઈરાન સાથે યુદ્ધ ચાલુ રાખવાના પક્ષમાં નથી. આના કારણે ટ્રમ્પને મહાભિયોગનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પને બંધારણીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. અમેરિકાના બંધારણ મુજબ પ્રેસિડન્ટને દેશની બહાર યુદ્ધ શરૂ કરવાનો અધિકાર તો છે પણ જો સંઘર્ષ શરૂ થયા બાદ ૬૦ દિવસની અંદર કૉન્ગ્રેસની મંજૂરી લેવી આવશ્યક છે. હવે એમાં માત્ર ૧૫ દિવસ બચ્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પની સમજદારી પર સવાલ ઊઠ્યા
ઈરાન યુદ્ધસંકટ વચ્ચે અમેરિકી સેનેટના મેમ્બર જેમી રાસ્કિને ડોનલ્ડ ટ્રમ્પની માનસિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવાની હાકલ કરી હોવાથી વૉશિંગ્ટનમાં રાજકીય તનાવ વધ્યો હતો. ટ્રમ્પના અપશબ્દોથી ભરેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરના મેસેજથી નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પર ચર્ચા જગાવી છે. મૅરિલૅન્ડના આ સંસદસભ્યએ વાઇટ હાઉસના ફિઝિશ્યનને લખેલા પત્રમાં ટ્રમ્પની માનસિક સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા.