21 September, 2025 09:02 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
સૅન ફ્રાન્સિસ્કોમાં બોર્ડ કરેલી ફ્લાઇટમાંથી ભારતીયો નીચે ઊતરી ગયા: ભારતથી ઝટપટ પાછા જવાનો ધસારો વધતાં ઍરલાઇન્સનાં ભાડાં વધ્યાં
ડોનલ્ડ ટ્રમ્પે H-1B વીઝાધારકોની ઍપ્લિકેશન-ફીમાં અચાનક ૫૦ ગણો વધારો કરવાનો નિર્ણય લેતાં અમેરિકામાં કામ કરતા વિદેશી IT કર્મચારીઓ મોટી મુશ્કેલીમાં પડ્યા છે. આ નિર્ણય પછી ઇમિગ્રેશન ઍટર્ની અને ટેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ચેતવણી આપી છે કે જો તેઓ કોઈ પણ કારણસર રજા પર બીજા દેશમાં ગયા હોય તો તરત જ અમેરિકા પાછા ફરે, નહીંતર તેમની એન્ટ્રી પર રોક લાગવાનું જોખમ છે. માઇક્રોસૉફ્ટ કંપનીએ એક ઇન્ટર્નલ ઈ-મેઇલ સર્ક્યુલેટ કર્યો છે જેમાં H-1B વીઝાધારક કર્મચારીઓ અને તેમના H-4 વીઝાધારક આશ્રિતોને અમેરિકામાંથી બહાર ન જવાનું અને જે બહાર ગયા છે તેમને અર્જન્ટ પાછા ફરવાનું કહેવાયું છે. નજીકના ભવિષ્યમાં તેમને અમેરિકામાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે જેથી તેમને પુનઃ પ્રવેશમાં મુશ્કેલીઓ ન પડે.
૨૪ કલાકનો સમય ઓછો
ન્યુ યૉર્કસ્થિત ઇમિગ્રેશન ઍટર્ની સાયરસ મહેતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘જે H-1B વીઝાધારક અમેરિકાની બહાર બિઝનેસ-ટ્રિપ કે પર્સનલ હૉલિડે માટે છે તેઓ ૨૧ સપ્ટેમ્બરે અડધી રાત પહેલાં નહીં આવે તો ફસાશે. ભારતથી સીધી ઉડાન લેશો તો પણ સમયસર પહોંચવાનું લગભગ અસંભવ છે. જોકે તેઓ ડેડલાઇન પહેલાં કૅલિફૉર્નિયા સુધી સમયસર પહોંચે એવું સંભવ બની શકે છે.’
છેલ્લી ઘડીએ ભારતીયો ઊતરી ગયા
ડોનલ્ડ ટ્રમ્પના અચાનક વીઝા-ફી વધારવાના નિર્ણયથી ભારતીય વ્યાવસાયિકોમાં પૅનિક ક્રીએટ થઈ ગયો હતો. આ સંજોગોમાં અમેરિકા ન છોડવાની સલાહ અપાતાં દુર્ગાપૂજા માટે ભારત આવી રહેલા અનેક ભારતીયો પ્લેનમાંથી ઊતરી ગયા હોવાના સમાચારો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા.
સૅન ફ્રાન્સિસ્કો ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એમિરેટ્સની એક ફ્લાઇટ ડીલે થઈ હતી, કેમ કે કેટલાક ભારતીય પૅસેન્જરો આ સમાચાર સાંભળીને પાછા ઊતરી જવા માગતા હતા. મસોદ રાણા નામના ટ્રાવેલરે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે ‘અહીં સંપૂર્ણ અંધાધૂંધી છે... ઘણા H-1B વીઝાધારકો આ ન્યુઝ સાંભળીને ફ્લાય કરવા તૈયાર નથી.’
કોસ્તવ મઝુમદાર નામના એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે લખ્યું હતું કે ‘ભારતીયોથી ખીચોખીચ ભરેલી ફ્લાઇટમાં બોર્ડિંગ પૂરું થઈ ચૂક્યું હતું અને એ જ વખતે આ સમાચારથી પૅનિક ક્રીએટ થયું. લોકો ફ્લાઇટમાંથી નીચે ઊતરવા માટે વિનંતી કરવા લાગ્યા હતા.’
કેટલાક મુસાફરો અમેરિકાથી દુબઈ ઊતરીને ત્યાંથી કનેક્ટિંગ ફ્લાઇટ લેવા જઈ રહ્યા હતા તેઓ પણ પોતાની જર્ની ટૂંકાવીને પાછા અમેરિકા જવાની પેરવીમાં હતા.
ઍરલાઇન્સનાં ભાડાંમાં ધરખમ વધારો
આ સમાચારને પગલે કટ-ઑફ સમય પહેલાં પહોંચી જવા માટેનો ધસારો વધતાં ભારતમાંથી પણ તાત્કાલિક અમેરિકા જવાની ફ્લાઇટ્સમાં અચાનક ઉછાળ જોવા મળ્યો હતો. થોડા જ કલાકોમાં દિલ્હીથી ન્યુ યૉર્કનું એક તરફનું ભાડું ૩૭,૦૦૦ રૂપિયાથી ૮૦,૦૦૦ રૂપિયા થઈ ગયું હતું.
કેટલીક છેલ્લી ઘડીની ફ્લાઇટ્સમાં તો ૪૫૦૦ ડૉલર એટલે કે લગભગ ૪ લાખ રૂપિયામાં કેટલીક સીટો બુક થઈ હતી.