પહેલાં ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી ૧૦ ટકાની અને ૨૪ કલાકમાં વધારીને ૧૫ ટકા ટૅરિફ કરી દીધી

22 February, 2026 08:39 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વસૂલેલી ટૅરિફનું શું કરવું એ વિશે સુપ્રીમ કોર્ટે કોઈ વાત સ્પષ્ટ નથી કરી એમ કહીને ટ્રમ્પે રીફન્ડની વાત ફગાવી દીધી

ડોનલ્ડ ટ્રમ્પ

શુક્રવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તરત જ તમામ દેશો પર ૧૦ ટકા નવી ટૅરિફ નાખવાની જાહેરાત કરી હતી. જોકે એ પછી હજી ૨૪ કલાક પણ પૂરા નહોતા થયા અને એ ગ્લોબલ ટૅરિફ વધારીને ૧૫ ટકા કરી દીધી હતી. તેમણે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું, ‘યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટે કેટલાય મહિનાઓ સુધી વિચાર્યા પછી શુક્રવારે ટૅરિફના મુદ્દે લીધેલા બેજવાબદાર, અત્યંત ખરાબ રીતે લખાયેલા અને અમેરિકાવિરોધી નિર્ણયને પૂરી વિગત સમજ્યા અને રિવ્યુ કર્યા પછી હું અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે વર્લ્ડવાઇડ ટૅરિફ ૧૦ ટકાથી વધારીશ. એમાંથી કેટલાય દેશો દાયકાઓથી (હું નહોતો ત્યાં સુધી) અમેરિકાને લૂંટી રહ્યા છે તેમના પર ટૅરિફ-લેવલ ૧૫ ટકા કરીશ. આગામી થોડા મહિનાઓમાં ઍડ્‍મિનિસ્ટ્રેશન નવા અને કાનૂની રીતે મંજૂર ટૅરિફ નક્કી કરશે અને જાહેર કરશે જે અમેરિકાને ફરીથી અને પહેલાં કરતાં વધુ મહાન બનાવવાના અમારા સફળ પ્રયાસને ચાલુ રાખશે.’

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ થઈને ટ્રમ્પે દુનિયાભરના દેશો પર કાયદાકીય સેક્શન-૧૨૨ થકી આ ટૅરિફ લગાવી છે. તેમણે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ કરીને ચાર મુદ્દાઓ સ્પષ્ટ કરતાં કહ્યું હતું ઃ

. સુપ્રીમ કોર્ટે રદ કરેલી ટૅરિફને લાગુ કરવા માટે મને સંસદની જરૂર નથી. હું એને રાષ્ટ્રપતિને મળેલા અધિકારો દ્વારા લાગુ કરી શકું છું.

. સુપ્રીમ કોર્ટે રીફન્ડને લઈને કોઈ સાફ વાત નથી કરી એટલે અમેરિકાની સરકાર કોઈ પણ કંપનીને ટૅરિફ તરીકે વસૂલેલા પૈસા પાછા નહીં આપે.

. જજે ખૂબ બકવાસ નિર્ણય સંભળાવ્યો છે અને મને લાગે છે કે હવે આ મામલે આવતાં બે વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલશે. આવતાં પાંચ વર્ષ સુધી કોર્ટમાં જ આ મુદ્દો રહેશે.

. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિદેશી અસર પડી છે. જો ટૅરિફ નહીં લગાવીએ તો કેટલાક દેશો ઉદ્યોગોમાં અમેરિકાથી આગળ નીકળી જશે.

નવી ટૅરિફ કેવી રીતે લાગુ પડશે

 આ ટૅરિફ ૨૪ ફેબ્રુઆરીથી અમલી બનશે.

 અમેરિકા આવતા તમામ માલ પર ૧૫૦ દિવસ સુધી આ ટૅરિફ વસૂલ કરવામાં આવશે.

 ભારત માટે આ એક મોટી રાહત છે, કારણ કે હવે ભારતીય માલ પરની રેસિપ્રોકલ ટૅરિફ (RT) ૧૮ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવશે.

 અમેરિકન અર્થતંત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટૅરિફમાંથી ઘણી વસ્તુઓને મુક્તિ આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ ખનિજો, ઊર્જા-ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને દવાના ઘટકો, કેટલાંક ઇલેક્ટ્રૉનિક્સ, પૅસેન્જર વાહનો અને બીફ, ટમેટાં અને નારંગી જેવાં કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

 ભારત પર રેસિપ્રોકલ ટૅરિફ જેમ કે સ્ટીલ, ઍલ્યુમિનિયમ અને તાંબા પર ૫૦ ટકા અને કેટલાક ઑટો ઘટકો પર પચીસ ટકા ચાલુ રહેશે.

 સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારત-અમેરિકા ટ્રેડ-ડીલમાં કોઈ ફેરફાર થશે નહીં. ટ્રેડ-ડીલના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતીય ટીમ ૨૩ ફેબ્રુઆરીથી વૉશિંગ્ટનમાં અમેરિકન અધિકારીઓ સાથે મુલાકાત કરશે.

international news world news united states of america washington donald trump tariff political news