09 November, 2022 11:52 AM IST | Moscow | Gujarati Mid-day Correspondent
રશિયામાં મૉસ્કોમાં ગઈ કાલે રશિયન વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવ અને ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકર (તસવીર : એ.પી. /પી.ટી.આઇ.)
વિદેશપ્રધાન એસ. જયશંકર ગઈ કાલે મૉસ્કોમાં રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવને મળ્યા હતા, જેના પછી એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત અને રશિયા યુક્રેનમાં યુદ્ધ વચ્ચે એકંદર વૈશ્વિક સ્થિતિ વિશે ચર્ચા કરશે. જયશંકરે જણાવ્યું હતું કે યુક્રેન સાથે ફરી વાતચીત શરૂ કરવા પર ભારત ભાર મૂકે છે. દરમ્યાનમાં એવી અટકળો વહી રહી છે કે જયશંકર રશિયા અને યુક્રેનની વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે મૉસ્કો પહોંચ્યા છે.
આ સંબંધમાં ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’માં એક આર્ટિકલના કારણે ચર્ચા થઈ રહી છે, જેમાં રાજકીય વિશ્લેષકો અને વિદેશી નીતિના નિરીક્ષકો દ્વારા અનેક કારણો જણાવવામાં આવ્યાં છે કે શા માટે ભારત રશિયા અને યુક્રેનની વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે સૌથી યોગ્ય છે. ભારતે આ પહેલાં સપ્ટેમ્બરમાં યુક્રેનમાં ઝેપોરિઝિયા ન્યુક્લિયર ફૅસિલિટી પર તોપમારો ન કરવા માટે રશિયાને મનાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જયશંકર સહિતના ભારતીય નેતાઓ શાંતિ જ એકમાત્ર ઉકેલ હોવાનું રશિયાને સમજાવી રહ્યા છે.
દરમ્યાનમાં જયશંકરે કહ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય સ્થિતિની વાત છે તો કોરોનાની મહામારી, આર્થિક મુશ્કેલી અને વેપારમાં તકલીફોના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસરો થઈ છે. ઉપરાંત હવે આપણે બધા યુક્રેનમાં લડાઈનાં પરિણામો જોઈ રહ્યા છીએ. એ સિવાય આતંકવાદ અને આબોહવા પરિવર્તન જેવી કાયમી સમસ્યાઓ પણ છે, જેની બન્નેની પ્રગતિ અને સમૃદ્ધિ પર વિપરીત અસરો થાય છે.’
નોંધપાત્ર છે કે પીએમ મોદીએ યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ઑક્ટોબરમાં વાતચીત દરમ્યાન યુક્રેન અને રશિયાની વચ્ચે મધ્યસ્થી કરાવવાની ઑફર કરી હતી. એ પહેલાં તેમણે રશિયાને જણાવ્યું હતું કે ‘અત્યારનો સમય યુદ્ધનો નથી.’
રશિયન વિદેશપ્રધાન સાથેની વાતચીત બાદ જયશંકરની સ્પીચના અંશો પર એક નજર
૧) ભારત અને રશિયા વાસ્તવમાં વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા લાવવામાં મદદ કરી રહ્યા છીએ. અત્યારે અનિશ્ચતતાનો સમય છે ત્યારે અમે જે કરી રહ્યા છીએ એ ખૂબ જ સારી બાબત છે.
૨) ભારતીયોની આવક ખૂબ વધારે નથી અને ઑઇલ અને ગૅસના ઉપયોગ મામલે અમે ત્રીજા નંબરે આવીએ છીએ ત્યારે અમને પરવડી શકે એવા સોર્સિસ શોધવાની જરૂર છે. એટલા માટે ભારત અને રશિયાના સંબંધોથી અમને લાભ થાય છે.
૩) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમરકંદમાં રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિનને જણાવ્યું હતું એમ આ યુદ્ધનો સમય નથી. આપણે યુક્રેનના યુદ્ધનાં પરિણામો જોઈ રહ્યા છીએ. ભારત વાતચીત તરફ વળવા માટે મજબૂતાઈથી અપીલ કરે છે.
૪) દુનિયાએ અફઘાનિસ્તાનની સ્થિતિ ન ભૂલવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનમાં આતંકવાદની ચિંતા છે.