દુબઈના વીઝા મળવા હવે આસાન નથી

10 December, 2024 06:59 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

નવા નિયમોને કારણે વીઝા મેળવવામાં વિલંબ અને રિજેક્ટ થવાની શક્યતાઓ વધી

ડોનાલ્ડ ટ્રમ્પ

દુબઈના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે પ્રવાસી વીઝા અરજીઓ માટે દસ દિવસ પહેલાં નવા નિયમો જાહેર કર્યા બાદ હવે ભારતીયો માટે દુબઈના વીઝા મેળવવા પહેલાં જેટલા આસાન નથી. પહેલાં જે વીઝા વધારેમાં વધારે ત્રણ દિવસમાં આવી જતા હતા એ વીઝા હવે દસ દિવસમાં પણ આવશે કે નહીં એની એજન્ટો ખાતરી આપી શકવા માટે અસમર્થ બની ગયા છે. એટલું જ નહીં, એક જ પરિવારમાંથી પાંચ જણ ફરવા જતા હોય તો કોના વીઝા રિજેક્ટ થઈ જશે એની પણ જાણકારી એજન્ટો આપી શકે એમ નથી. નવા નિયમો પ્રમાણે દુબઈના વીઝા માટે પ્રવાસીઓએ તેમના હોટેલ-બુકિંગના ડૉક્યુમેન્ટ્સ, રિટર્ન ઍર-ટિકિટની કૉપી જેવા અનેક દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

દુબઈ-વીઝા નિયમો:

૧. કન્ફર્મ રિટર્ન ફ્લાઇટ-ટિકિટઃ પ્રવાસીઓએ હવે મુલાકાત પછી દુબઈથી ક્યારે પાછા ફરવાના છે એ દર્શાવવા માટે તેમની કન્ફર્મ રિટર્ન ફ્લાઇટ-ટિકિટની કૉપી આપવી પડશે. અગાઉ ઍરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા પૂછવામાં આવે તો જ આ બતાવવું જરૂરી હતું.
૨. હોટેલ-બુકિંગ કે રોકાણનો પુરાવો : પ્રવાસીઓએ હોટેલ-બુકિંગની પુષ્ટિ અથવા તેઓ દુબઈમાં ક્યાં રોકાશે એના પુરાવા આપવા જરૂરી છે. જો કોઈ સગાને ત્યાં તમે રોકાવાના હો તો તમારા વીઝા મેળવવાની તમામ વિધિ તે સગાએ દુબઈથી જ કરવાની રહેશે.
૩. નાણાકીય સંસાધનો: પ્રવાસીઓએ તેમની સફર દરમ્યાન તેમના ખર્ચને આવરી લેવા માટે પૂરતા ભંડોળનો પુરાવો દર્શાવવો આવશ્યક છે, જેમ કે બૅન્ક-સ્ટેટમેન્ટ અથવા સ્પૉન્સરશિપ લેટર. હવે પ્રવાસીઓએ સાબિત કરવું પડશે કે તેમની પાસે પૂરતા નાણાકીય સંસાધનો છે. અરજદારોએ ટૂરિસ્ટ વીઝા માટે તેમના ક્રેડિટ અથવા ડેબિટ ખાતામાં ઓછામાં ઓછા ૩૦૦૦ દિરહામ (અંદાજે ૭૫,૦૦૦ રૂપિયા) દર્શાવવા જરૂરી છે.  
૪. અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા સબમિશન: પ્રવાસી-વીઝા માટેની અરજીઓ ઑનલાઇન અથવા અધિકૃત ટ્રાવેલ એજન્સીઓ દ્વારા કરી શકાય છે. જોકે વિઝિટ-વીઝા હજી પણ ટ્રેડિંગ કંપનીઓ, વ્યક્તિઓ અથવા પરિવારો દ્વારા સબમિટ કરી શકાય છે. બન્ને વીઝા કૅટેગરીઓ માટે એકસરખા ડૉક્યુમેન્ટ્સ આવશ્યક છે. 

પહેલી વાર થયા રિજેક્ટ
દુબઈના વીઝા માટે દુબઈની સરકારે નવા નિયમો બનાવ્યા પછી હવે દુબઈના વીઝા માટે સબમિટ કરવામાં આવતા ડૉક્યુમેન્ટ્સમાં થોડી પણ ક્ષતિ રહી ગઈ તો દુબઈના વીઝા રિજેક્ટ થઈ શકે છે. આ બાબતની માહિતી આપતાં ઘાટકોપરના વીઝા-એજન્ટ હિરેન પાસડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં વીસ વર્ષમાં દુબઈના એક પણ વીઝા રિજેક્ટ થયા નહોતા, પણ નવા નિયમો આવ્યા પછી પહેલી વાર મારા ક્લાયન્ટના વીઝા રિજેક્ટ થયા છે. નવા નિયમ પ્રમાણે હોટેલના બુકિંગની વિગતો આપવી આવશ્યક છે. મારા ક્લાયન્ટના પરિવારના ત્રણ જણના દુબઈના વીઝા માટે અરજી કરવામાં આવી હતી, જેમાં સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી સિસ્ટમ પ્રમાણે અમે અરજીમાં હોટેલ-બુકિંગનું વાઉચર અટૅચ કર્યું હતું. આ વાઉચરમાં પરિવારના લીડ સભ્યનું નામ લખવામાં આવ્યું હતું, બાકીનાં બે નામો લખવામાં આવ્યાં નહોતાં. આ કારણે એ પરિવારનો વીઝા રિજેક્ટ થયો છે. નવા નિયમો પ્રમાણે હોટેલના વાઉચરમાં ત્રણેય વ્યક્તિઓનાં નામ અને તેની વિગતો લખવી ફરજિયાત છે. હવે નવા નિયમ પ્રમાણે ત્રણ નામો લખવા માટે અનેક એજન્સીઓ અને હોટેલોએ તેમના સૉફ્ટવેરમાં પરિવર્તન કરવાં પડશે, જેને કારણે આર્થિક બોજ પણ વધશે. અહીંથી વીઝા મળી ગયા પછી પ્રવાસીઓએ દુબઈના ઍરપોર્ટ પર ઇમિગ્રેશન વખતે વ્યક્તિદીઠ ૩૦૦૦ દિરહામ ક્રેડિક કે ડેબિટ કાર્ડમાં અથવા તો રોકડા સાથે રાખવા જરૂરી છે. જો એમાં પણ પ્રવાસી તરફથી કોઈ ખામી રહી ગઈ તો તેને વીઝાના નવા નિયમો મુજબ દુબઈ ઍરપોર્ટથી ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પાછા મોકલી શકે છે. હવે પ્રવાસીઓએ સાબિત કરવું પડશે કે તેમની પાસે પૂરતાં નાણાકીય સંસાધનો છે.’

વિલંબિત અને પડકારજનક
દુબઈ જનારા ભારતીય પ્રવાસીઓ માટે નિયમોમાં તાજેતરના ફેરફારોને કારણે વીઝા મેળવવું વધુ પડકારજનક બની ગયું છે. પરિણામે ભારતીય પ્રવાસીઓ અને ટ્રાવેલ એજન્ટો બન્નેને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ માહિતી આપતાં ૩૦ વર્ષથી ટ્રાવેલિંગના બિઝનેસ સાથે સંકળાયેલા મલાડના માધવ બાઠિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુબઈના નવા નિયમો પછી હવે યુરોપના વીઝા મેળવવા અમને આસાન લાગે છે. જે કામ ત્રણ દિવસનું હતું એ કામ માટે અમે કેટલો વિલંબ થશે એની કોઈ જ ગૅરન્ટી અમારા ક્લાયન્ટને આપી શકતા નથી. પહેલાં કરતાં હવે દુબઈના વીઝાના રિજેક્શનમાં પણ વધારો થયો છે. જે પ્રવાસીઓએ પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી હતી તેઓ પણ નવા નિયમો હેઠળ તેમના વીઝા મંજૂર કરાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આના કારણે પ્રી-બુક કરાયેલી ફ્લાઇટ્સ અને હોટેલ-રિઝર્વેશન પર ખર્ચવામાં આવેલાં નાણાંનું પણ નુકસાન થયું છે. અમે આ માટે સંબંધિત વિભાગોમાં ફરિયાદ કરી છે, પણ અત્યારે તો અમારે દુબઈ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના રૂલને જ ફૉલો કરવા પડશે. ૪૮ ટકા પ્રવાસીઓ ભારતથી દુબઈ પ્રવાસ કરે છે. ત્યાં અમુક સુરક્ષાનાં કારણોસર નિયમોને કડક બનાવ્યા છે. જેના ડૉકયુમેન્ટ્સ પ્રૉપર હોય છે તેને કોઈ ચિંતાનું કારણ નથી. નવા નિયમો દાખલ થયા પછી પરિસ્થિતિ ઝડપથી બગડી છે. દુબઈ ટૂરિસ્ટ વીઝા માટેની અપડેટ કરેલી આવશ્યકતાઓમાં હવે હોટેલ-બુકિંગનો પુરાવો, રિટર્ન ફ્લાઇટ-ટિકિટ અને સંબંધીઓ સાથે રહેતા લોકો માટે રહેઠાણની વિગતોનો સમાવેશ થાય છે. ઘણા પ્રવાસીઓ આ નવી આવશ્યકતાઓથી અજાણ હોય છે, જેના કારણે તેમની વીઝા-અરજીઓ નકારવામાં આવે છે.’

international news world news dubai donald trump political news united states of america