24 January, 2026 11:39 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ‘બોર્ડ ઑફ પીસ’માં કૅનેડાનું આમંત્રણ પાછું ખેંચીને એક મોટો નિર્ણય લીધો છે. ભારત સહિત ઘણા દેશોએ પહેલેથી જ ઇનકાર કરી દીધો છે. આ મુદ્દે ટ્રુથ સોશ્યલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આમંત્રણ હવે રદ કરવામાં આવી રહ્યું છે.
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF) ખાતે તેમના ‘બોર્ડ ઑફ પીસ’ પહેલના ચાર્ટર પર હસ્તાક્ષર કર્યાના થોડા સમય પછી ટ્રમ્પનું આ નિવેદન આવ્યું હતું. ટ્રમ્પે એને વૈશ્વિક સંઘર્ષ નિરાકરણ તરફ એક મોટું પગલું ગણાવતાં કહ્યું હતું કે અમે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. ગાઝા પીસ બોર્ડની રચના વેસ્ટ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા અને ગાઝા પટ્ટીમાં સ્થિરતા અને પુનર્નિર્માણની દેખરેખ રાખવા માટે કરવામાં આવી હતી. ટ્રમ્પે અગાઉ એને અત્યાર સુધી રચાયેલા સૌથી પ્રતિષ્ઠિત બોર્ડ તરીકે વર્ણવ્યું હતું. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર લગભગ ૩૫ દેશોએ જોડાવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જ્યારે ૬૦ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ટ્રમ્પે કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમનો દેશ અમેરિકાનો પૂરતો આભારી નથી. તેમણે દાવોસમાં કહ્યું હતું કે કૅનેડાને અમેરિકા તરફથી ઘણીબધી મફત સુવિધાઓ મળે છે, પરંતુ એ માટે તેઓ પૂરતા આભારી નથી. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવવાની યોજના કૅનેડાની સુરક્ષામાં ફાળો આપશે.
WEFના સંબોધનમાં કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ વૈશ્વિક વ્યવસ્થામાં ગંભીર વિસંવાદિતાની ચેતવણી આપી હતી અને ટૅરિફ અને ભૂ-રાજકીય દબાણ સામે બહુપક્ષીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જવાબમાં ટ્રમ્પે બોર્ડમાં જોડાવા માટે કૅનેડાના આમંત્રણને રદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્થિર નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો યુગ પૂરો થઈ ગયો છે અને સુપરપાવર હરીફાઈ દ્વારા ચિહનિત એક કઠોર ભૂ-રાજકીય વ્યવસ્થા ઊભરી આવી છે.
બોર્ડ ઑફ પીસમાં મિડલ ઈસ્ટ, એશિયા અને કેટલાક યુરોપિયન અને સાઉથ અમેરિકન દેશો સહિત ઘણા દેશોનો સમાવેશ થાય છે.