અફઘાનિસ્તાનના બગરામ ઍરબેઝ પર દાવો કરવામાં ટ્રમ્પ એકલા પડ્યા

10 October, 2025 10:04 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ભારત સહિત ચીન, રશિયા અને પાકિસ્તાને પણ આ મામલે અમેરિકાનો વિરોધ કર્યો છે

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે તાલિબાન શાસકોને થોડા દિવસ પહેલાં બગરામ ઍરબેઝ પોતાને સોંપી દેવાની  ધમકી આપી હતી. એ પછી ભારત, ચીન અને રશિયા સહિત ૧૦ દેશોના સમૂહે અફઘાનિસ્તાનમાં સેનાનો અડ્ડો બનાવવાના અમેરિકાના પ્રયાસોનો વિરોધ કર્યો છે. અમેરિકા સામેના આ વિરોધમાં પાકિસ્તાને પણ સાથ આપ્યો હતો. 

આમ તો રશિયા સિવાય મોટા ભાગના દેશોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા નથી આપી, પરંતુ હવે ભારતની તાલિબાન સરકાર સાથે વાતચીત શરૂ થઈ છે એ અનેક પરિમાણોથી મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. 

અમેરિકા માટે બગરામ ઍરબેઝ કેમ મહત્ત્વનું?
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી ૬૦ કિલોમીટર દૂર પરવાન પ્રાંતમાં બગરામ ઍરબેઝ આવેલું છે. ૨૦૨૧માં અમેરિકાની સેનાએ બગરામ બેઝ ખાલી કર્યું હતું. આ અમેરિકાનું સૌથી મોટું અને સૌથી મજબૂત ઍરબેઝ હતું જે કૉન્ક્રીટ અને સ્ટીલનું બનેલું છે. હવે ડોનલ્ડ ટ્રમ્પ ફરીથી એના પર કબજો મેળવવા માગે છે, કેમ કે એનાથી ચીન પર દબાણ બનાવવાનું આસાન થશે અને મધ્ય એશિયાના દેશો પર પણ કન્ટ્રોલ વધી શકશે. 

international news world news donald trump washington united states of america afghanistan