02 May, 2026 07:48 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી માટે અમેરિકન કૉન્ગ્રેસની મંજૂરી મેળવવા માટે ૬૦ દિવસની કાનૂની સમયમર્યાદા પૂરી થઈ રહી છે ત્યારે અમેરિકન હાઉસ સ્પીકર માઇક જૉન્સને જણાવ્યું છે કે અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં નથી.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને યુદ્ધવિરામ પછી યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાનો દાવો કર્યો છે. યુદ્ધની શરૂઆતથી ૬૦ દિવસની સમયમર્યાદા સમાપ્ત થયા પછી આ દાવો કરવામાં આવ્યો હતો. તેથી એને કૉન્ગ્રેસ તરફથી ઔપચારિક મંજૂરીની જરૂરિયાત ટાળવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ વૉર પાવર્સ રેઝોલ્યુશન મુજબ પ્રેસિડન્ટે કોઈ પણ લશ્કરી કાર્યવાહી શરૂ કર્યાના ૬૦ દિવસની અંદર કૉન્ગ્રેસ પાસેથી ઔપચારિક મંજૂરી મેળવવી આવશ્યક છે, અન્યથા તેમણે તાત્કાલિક કાર્યવાહી બંધ કરવી આવશ્યક છે. કૉન્ગ્રેસની મંજૂરી વિના પ્રેસિડન્ટ ફક્ત ૬૦ દિવસ માટે સૈન્યનો ઉપયોગ કરી શકે છે. બીજી માર્ચે ટ્રમ્પ પ્રશાસને ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની કૉન્ગ્રેસને સૂચના આપી હતી તેથી યુદ્ધ ચાલુ રાખવા માટે તેમણે પહેલી મે સુધીમાં કૉન્ગ્રેસની મંજૂરી મેળવવાની જરૂર હતી.
ટ્રમ્પ પ્રશાસને મંજૂરી માટે ઠરાવ રજૂ કરવાનો ઇનકાર કર્યો છે. હાઉસના સ્પીકર માઇક જૉન્સને જણાવ્યું હતું કે ‘હાલમાં કોઈ સક્રિય યુદ્ધ ચાલી રહ્યું નથી. કોઈ બૉમ્બમારો કે ગોળીબાર થઈ રહ્યો નથી, પરંતુ અમેરિકા શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઈરાન સાથે યુદ્ધવિરામને કારણે ૬૦ દિવસની સમયમર્યાદા મુલતવી રાખવામાં આવી છે.’
પીટ હેગસેથે આ ભાવનાનો પડઘો પાડ્યો હતો અને ઉમેર્યું હતું કે અંતિમ નિર્ણય વાઇટ હાઉસ દ્વારા લેવામાં આવશે.