11 March, 2026 09:02 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જ્યારે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, ત્યારે આ મુદ્દે ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે. ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ્સ કૉર્ઝ (IRGC)એ જણાવ્યું હતું કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે એ અમેરિકા નહીં, અમે નક્કી કરીશું.
ટ્રમ્પે સોમવારે ફ્લૉરિડામાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે ટૂંક સમયમાં યુદ્ધ સમાપ્ત થશે. જો યુદ્ધ ફરી શરૂ થાય તો ઈરાને વધુ તીવ્ર હુમલાઓનો સામનો કરવો પડશે. અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓએ એમનાં લક્ષ્યો પ્રાપ્ત કર્યાં છે. જો અમેરિકાએ પહેલાં હુમલો ન કર્યો હોત તો ઈરાન એક અઠવાડિયામાં અમેરિકા પર હુમલો કરી શકે એમ હતું. ઈરાન પાસે મોટી સંખ્યામાં મિસાઇલો છે અને એ અમેરિકા, ઇઝરાયલ અને સમગ્ર મિડલ ઈસ્ટ પર મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું.’
ઈરાન વતી IRGCએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ‘અમે યુદ્ધનો અંત નક્કી કરીશું. આ વિસ્તારનાં સમીકરણો અને ભવિષ્ય હવે અમારાં સશસ્ત્ર દળોના હાથમાં છે. અમેરિકન ફોર્સ યુદ્ધનો અંત નહીં લાવે, અમે લાવીશું.’
રશિયામાં ક્રેમલિનના વિદેશનીતિ સહાયક યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને સોમવારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી, જે દરમ્યાન તેમણે ઈરાનના સંઘર્ષને ઝડપથી ઉકેલવા માટેના પ્રસ્તાવો રજૂ કર્યા હતા. વાતચીતમાં ઈરાનની આસપાસની પરિસ્થિતિ તેમ જ યુક્રેન સંઘર્ષ સંબંધિત ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અમેરિકન પ્રેસિડન્ટે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે ફોન કર્યો હતો. બન્ને નેતાઓએ લગભગ એક કલાક સુધી વાત કરી હતી.
યુદ્ધ વચ્ચે ઈરાને અલી ખામેનેઈના દીકરા મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કર્યા એ પછી ઈરાનના નવા સુપ્રીમ લીડરને પણ ખતમ કરી નાખવામાં આવશે એવી અમેરિકા અને ઇઝરાયલે ધમકી આપી હતી. થોડાક આંતરિક વિરોધ છતાં ઈરાનમાં મોજતબા ખામેનેઈના લાખો સમર્થકો પણ છે. નાગરિકોના મૉરલને બૂસ્ટ કરવા માટે તેહરાનમાં કેટલાંક સૂચક પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. એક પોસ્ટરમાં અલી ખામેનેઈ તેમના ઉત્તરાધિકારીને ઈરાનનો ઝંડો સોંપીને દેશ તેમના હાથમાં સોંપી રહ્યા હોય એવું સાંકેતિક ચિત્રણ કરવામાં આવ્યું છે.
ઇઝરાયલમાં અન્ડરગ્રાઉન્ડ ક્લબ્સને બૉમ્બ-શેલ્ટર તરીકે વાપરવામાં આવી રહી છે. વારંવાર સાઇરન વાગતાં લોકો ભાગીને નજીકના શેલ્ટરમાં શરણ લેવા આવી જાય છે. જોકે યુદ્ધના ૧૦ દિવસ પછી લોકો માટે જાણે બૉમ્બ-શેલ્ટર પણ રૂટીન થઈ ગયાં લાગે છે. તેલ અવિવમાં એક અન્ડરગ્રાઉન્ડ ક્લબમાં શરણ લઈ રહેલા લોકો પાર્ટી કરી રહ્યા છે.