કંઈક મોટું થવાનું છે... G-7 સમિટ છોડવા પર ટ્રમ્પે કહ્યું: મેક્રોન ખોટું બોલે છે

18 June, 2025 07:03 AM IST  |  Kananaskis | Gujarati Mid-day Online Correspondent

Donald Trump leaves G7 Summit a day early: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ કેનેડામાં G-7 સમિટ અધવચ્ચે છોડીને અમેરિકા જવા રવાના થઈ ગયા. આ પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને લઈને વોશિંગ્ટન પાછા ફર્યા છે.

G-7 સમિટ (તસવીર સૌજન્ય: એજન્સી)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ કેનેડામાં G-7 સમિટ અધવચ્ચે છોડીને અમેરિકા જવા રવાના થઈ ગયા. આ પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને લઈને વોશિંગ્ટન પાછા ફર્યા છે. પરંતુ તેમણે આવી કોઈપણ અટકળોને અફવા ગણાવી છે અને આ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પણ ઠપકો આપ્યો છે.

"પબ્લિસિટી કરવા ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું કે હું કેનેડામાં G-7 સમિટ છોડીને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે `યુદ્ધવિરામ` પર કામ કરવા માટે વોશિંગ્ટન ડી.સી. પાછો જઈ રહ્યો છું. ખોટું!" ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કર્યું.

ટ્રમ્પ G-7 અંગે શું વિચારી રહ્યા છે?
ટ્રમ્પે G-7 સમિટ દરમિયાન ગ્રુપના મહત્ત્વ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે 2014 માં રશિયાને G-7 માંથી દૂર કરવું ખોટું હતું, જેના કારણે વિશ્વ અસ્થિર થયું. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે ચીનને G-7 માં સામેલ કરવું જોઈએ.

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ સંઘર્ષ વિશે પણ પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, "ઈરાને તેની પરમાણુ યોજનાઓ બંધ કરવી જોઈએ, નહીં તો તેને આ ખૂબ મોંઘું પડશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા જ G7 સમિટ છોડી દેવાનો નિર્ણય લીધો છે. વ્હાઇટ હાઉસે આ અંગે માહિતી આપી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સોમવારે સાંજે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રાત્રે (સોમવારે) વોશિંગ્ટન પાછા ફરશે જેથી તેઓ ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અગાઉ, ટ્રમ્પે મંગળવારે મોડી રાત (સ્થાનિક સમય) સુધી કેનેડામાં રહેવાની યોજના બનાવી હતી. તેઓ રવિવારે કેનેડા પહોંચ્યા. કેનેડામાં યોજાઈ રહેલી G7 સમિટ 17 જૂને સમાપ્ત થઈ રહી છે.

મધ્ય પૂર્વમાં તણાવને કારણે ટ્રમ્પ પાછા ફર્યા
લેવિટે X પર માહિતી આપી અને લખ્યું, `રાષ્ટ્રપતિ ટ્રમ્પનો G7 ખાતે એક અદ્ભુત દિવસ રહ્યો, તેમણે યુનાઇટેડ કિંગડમ અને વડા પ્રધાન કીર સ્ટારમર સાથે એક મોટા વેપાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા. ઘણું બધું પ્રાપ્ત થયું, પરંતુ મધ્ય પૂર્વમાં જે ચાલી રહ્યું છે તેના કારણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રાત્રે રાષ્ટ્રના વડાઓ સાથે રાત્રિભોજન પછી રવાના થશે.` સોમવારે ગ્રુપ ફોટો દરમિયાન, ટ્રમ્પે કહ્યું, `હું ઈચ્છું છું કે હું કાલ સુધી રહી શકું, પરંતુ તેઓ સમજે છે. આ યુદ્ધ એક મોટી વાત છે.`

નિવેદન પર સહી કરવાનો ઇનકાર
અગાઉ, ઇઝરાયલના મુદ્દા પર ટ્રમ્પ અને અન્ય G7 નેતાઓ વચ્ચે મતભેદો હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. અહેવાલ અનુસાર, ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ ઘટાડવા માટે G7 નેતાઓ દ્વારા તૈયાર કરાયેલા સંયુક્ત નિવેદન પર સહી કરશે નહીં. જો કે, દસ્તાવેજ તૈયાર કરનારા અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે તેમને આખરે તેમનું નામ ઉમેરવા માટે મનાવવામાં આવશે.

તેહરાન ખાલી કરવાની ચેતવણી
થોડા કલાકો પછી, ટ્રમ્પે ઈરાન વિશે એક ગંભીર ચેતવણી આપી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે ઈરાની નાગરિકોને તેમની રાજધાની તેહરાન `તાત્કાલિક ખાલી` કરવા કહ્યું. યુએસ રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "દરેક વ્યક્તિએ તાત્કાલિક તેહરાન ખાલી કરવું જોઈએ." જો કે, તેમણે આનું કારણ આપ્યું ન હતું.

donald trump united states of america us president france israel iran international news news