08 October, 2025 10:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનો ટૅરિફનો ફીવર હજી ઊતરી જ નથી રહ્યો. ટૅરિફ લાદીને અમેરિકાની ભરાઈ રહેલી તિજોરીઓથી ખુશ થઈ રહેલા ટ્રમ્પે હવે વિદેશી ટ્રકો પર નવી ટૅરિફ લાગુ કરી છે. દરેક મધ્યમ અને ભારે ટ્રક જે અમેરિકામાં અન્ય દેશોમાંથી આવી રહી છે એના પર આ નવી ટૅરિફ લાગશે. નવા આદેશ મુજબ ૧ નવેમ્બરથી એ લાગુ પડશે.
અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડાઓ મુજબ ૨૦૨૪માં અમેરિકાએ ૨,૪૫,૭૬૪ મધ્યમ અને ભારે ટ્રકો ઇમ્પોર્ટ કરી હતી. એમાંથી મોટા ભાગની કૅનેડા અને મેક્સિકોની હતી. મતલબ કે ટ્રમ્પના આ નિર્ણયથી સૌથી વધુ માર કૅનેડા અને મેક્સિકોને પડશે. એ પછી અસર થશે જપાન, જર્મની અને ફિનલૅન્ડ જેવા દેશોને. અમેરિકામાં હવે ડિલિવરી ટ્રક, કચરાની ટ્રક, ટ્રાન્ઝિટ, શટલ અને સ્કૂલ બસો, ટ્રૅક્ટર-ટ્રેલર ટ્રક અને હેવી ડ્યુટી કમર્શિયલ વાહનોની આયાત મોંઘી થઈ જશે.