13 January, 2026 10:56 AM IST | America | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયામાં શૅર કરેલો સ્ક્રીન-શૉટ.
વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને પકડી લીધા પછી ડોનલ્ડ ટ્રમ્પની મરજીથી ડેલ્સી રૉડ્રિગુએઝ કાર્યકારી પ્રેસિડન્ટ બન્યાં છે. જોકે વેનેઝુએલાની ઑઇલ-ઇન્ડસ્ટ્રીને લગતા તમામ કન્ટ્રોલ પોતાના હાથમાં રાખવાની જાહેરાત કરી ચૂકેલા ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રૂથ સોશ્યલ પર જાતને ‘ઍક્ટિંગ પ્રેસિડન્ટ ઑફ વેનેઝુએલા’ તરીકે રજૂ કર્યા હતા.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર અટૅક કર્યા પછી દેશના ઑઇલ-સ્રોતો પર કબજો જમાવી લીધો છે. તેલમાંથી મળતી રકમ પર પણ અમેરિકા કન્ટ્રોલ કરશે એવો ફતવો બહાર પાડ્યા પછી ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પે કન્ફર્મ કર્યું હતું કે ‘ઍક્ટિંગ પ્રેસિડન્ટ ડેલ્સી રૉડ્રિગુએઝે પૂછ્યું હતું કે શું અમેરિકા ઑઇલનું શિપમેન્ટ લઈ શકે છે? અને મેં સહમતી દાખવી હતી. વેનેઝુએલાથી ૫૦ મિલ્યન એટલે કે પાંચ કરોડ બૅરલ ઑઇલનું શિપમેન્ટ અમેરિકા તરફ જવા રવાના થઈ ગયું છે અને એની કિંમત ૪.૨ બિલ્યન ડૉલર એટલે કે લગભગ ૩૭,૦૦૦ કરોડ રૂપિયા જેટલી છે.’