21 December, 2023 11:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
વૉશિંગ્ટન : અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મંગળવારે મોટો આંચકો લાગ્યો હતો. કોલોરાડોની સુપ્રીમ કોર્ટે આવતા વર્ષે પ્રેસિડન્ટ પદ માટેના ઇલેક્શન માટે રાજ્યમાં બૅલટ પેપરમાંથી તેમને ડિસક્વૉલિફાય કર્યા છે. ૨૦૨૧ની છઠ્ઠી જાન્યુઆરીએ અમેરિકન કૅપિટોલ પર તેમના સપોર્ટર્સ દ્વારા હુમલામાં તેમની ભૂમિકાને લઈને જ આ ઍક્શન લેવામાં આવી છે.
અમેરિકામાં દરેક રાજ્યમાં અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી પહેલાં પ્રાથમિક મતદાનની વ્યવસ્થા છે, જે કોલોરાડોમાં પાંચમી માર્ચે થવાની છે. એના પહેલાં બૅલટ પેપર પર ટ્રમ્પનું નામ નહીં રહે એવો ચુકાદો આવવો એ ટ્રમ્પ માટે ચોક્કસ જ નિરાશાજનક નિર્ણય છે. આ નિર્ણય માત્ર આ રાજ્યને જ લાગુ પડે છે. જોકે ટ્રમ્પ પ્રાઇમરીમાં ભાગ નહીં લઈ શકે તો સ્વાભાવિક રીતે એની અસર આવતા વર્ષે યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ઉમેદવારી પર પણ થશે. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક મતદાન એ અમેરિકામાં પાર્ટીઓની આંતરિક વ્યવસ્થા છે, જેમાં તેઓ પ્રેસિડન્ટના પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવારની પસંદગી કરે છે.
કોલોરાડો પ્રોવિન્સમાં યુએસ પ્રેસિડન્ટ જો બાઇડનની પાર્ટી ડેમોક્રેટિક પાર્ટીના મેમ્બર્સનો દબદબો છે. એમાં જજિઝની પણ ડેમોક્રેટ ગવર્નર્સ દ્વારા પસંદગી કરવામાં આવે છે એટલે જ ટ્રમ્પે તેમના ફૉલોઅર્સને જણાવ્યું છે કે બાઇડન અમેરિકાના બંધારણ માટે ખતરો છે. વૉશિંગ્ટનમાં ગ્રુપ સિટિઝન્સ ફૉર રિસ્પૉન્સિબિલિટી ઍન્ડ એથિક્સના સપોર્ટથી કોલોરાડોના વોટર્સના એક ગ્રુપ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે એવી દલીલ કરી હતી કે ૨૦૨૦ની ચૂંટણીમાં બાઇડનને પ્રેસિડન્ટ પદના અધિકારો ટ્રાન્સફર કરવામાં અવરોધ ઊભો કરવાના હેતુથી કૅપિટોલ પર હુમલો કરવા માટે સપોર્ટર્સને ઉશ્કેરવા બદલ ટ્રમ્પને ડિસક્વૉલિફાય કરવા જોઈએ.
ટ્રમ્પની ટીમ તરફથી જણાવાયું હતું કે કોર્ટનો આ નિર્ણય ખામીયુક્ત છે અને બિનલોકતાંત્રિક છે. તેમણે આ ચુકાદાની વિરુદ્ધ અપીલ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પની ટીમના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ‘કોલોરાડો સુપ્રીમ કોર્ટે સંપૂર્ણપણે ખામીયુક્ત ચુકાદો આપ્યો છે અને અમે એની વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટમાં ઝડપથી અપીલ કરીશું.’
રૅર જોગવાઈ લાગુ પડાઈ
આ ચુકાદાની સાથે જ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં પ્રેસિડન્ટની ચૂંટણીના પહેલા એવા ઉમેદવાર બન્યા છે કે જેમને અમેરિકન બંધારણમાં ભાગ્યે જ લાગુ કરવામાં આવતી જોગવાઈ હેઠળ વાઇટ હાઉસ માટે અયોગ્ય ગણવામાં આવ્યા છે. આ જોગવાઈ હેઠળ શાસન વિરુદ્ધ બળવો કરનારાને પદ પર બિરાજતા અટકાવવામાં આવે છે.
ચુકાદાના વિરોધમાં કોણે શું કહ્યું?
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ
કુટિલ જો બાઇડન અને ડાબેરી ગ્રુપ કોઈ પણ રીતે અમને અટકાવવા માટે આતુર છે. આ ચૂંટણી જીતવા માટે આ પહેલાં ક્યારેય જોવા ન મળ્યું હોય એ સ્તરે તેઓ અમેરિકાના બંધારણનો ભંગ કરવા તૈયાર છે. જો બાઇડન અમેરિકન લોકશાહી માટે ખતરો છે. અમે તેમને ખરાબ રીતે હરાવી રહ્યા હોવાના કારણે તેઓ કાયદાવ્યવસ્થાનો મિસયુઝ કરી રહ્યા છે.
વિવેક રામાસ્વામી
રિપબ્લિકન ઉમેદવાર
અદાલતનો આ ચુકાદો લોકશાહી પર વાસ્તવિક હુમલા જેવો છે. આ ચુકાદો બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. જજોના એક ગ્રુપે ટ્રમ્પને કોલોરાડોમાં બૅલટ પેપરમાં સામેલ થતા અટકાવ્યા છે. ટ્રમ્પને આ ચૂંટણીમાં ભાગ લેતા દરેક રીતે અટકાવવાની કોશિશ થઈ. આ ચૂંટણીમાં તેમને ફરીથી પદ સંભાળતા રોકવા માટે નવી વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે.