24 January, 2026 11:38 AM IST | Copenhagen | Gujarati Mid-day Correspondent
NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટ અને ડોનાલ્ડ ટ્રમ્પની એઆઇ જનરેટરડ તસવીર
ડેન્માર્ક નાયબ વડા પ્રધાન અને સંરક્ષણપ્રધાન ટ્રોલ્સ લુંડ પૉલ્સેને કહ્યું હતું કે નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન (NATO)ના સેક્રેટરી જનરલ માર્ક રૂટ ડેન્માર્ક અથવા ગ્રીનલૅન્ડ વતી કોઈ કરાર પર વાટાઘાટો કરી શકતા નથી. જોકે તેમણે ભાર મૂક્યો હતો કે રૂટે NATOની અંદર એકતા જાળવવા માટે વફાદારીપૂર્વક કામ કર્યું છે અને એ ખૂબ જ સકારાત્મક હતું.
રૂટ અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગ્રીનલૅન્ડમાં અમેરિકન સૈનિકોના સ્થાનાંતરણને નિયંત્રિત કરતા ૧૯૫૧ના US-ડેન્માર્ક કરારની પુનઃ વાટાઘાટોની ચર્ચા કર્યા પછી આ વાત સામે આવી છે. અગાઉ ટ્રમ્પે ગ્રીનલૅન્ડને અમેરિકામાં ભેળવી દેવાની ધમકી આપી હતી. ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેમણે ગ્રીનલૅન્ડ પર સોદા માટે ફ્રેમવર્ક ઘડી કાઢ્યું છે.
ટ્રમ્પે સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દરમ્યાન NATOના સેક્રેટરી જનરલ માર્ક રૂટને મળ્યા બાદ આ જાહેરાત કરી હતી. જોકે તેમણે પ્રસ્તાવિત માળખામાં શું સામેલ હશે એ વિશે થોડી વિગતો આપી હતી.
દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ (WEF)માં બ્લૅકરૉકના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર લેરી ફિન્ક સાથે એક પૅનલમાં ભાગ લેનારા સ્પેસઍક્સના સ્થાપક ઈલૉન મસ્કે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ની મજાક ઉડાવી હતી. મસ્કે સૂચવ્યું કે ટ્રમ્પના બોર્ડનું નામ Peace (શાંતિ)ને બદલે Piece of Greenland (ગ્રીનલૅન્ડનો ટુકડો) હોવું જોઈએ. તેમણે આગળ કહ્યું હતું કે મેં પીસ સમિટની રચના વિશે સાંભળ્યું અને મેં વિચાર્યું કે શું એ ‘પીસ’ છે કે ગ્રીનલૅન્ડનો નાનો ટુકડો છે કે વેનેઝુએલાનો નાનો ટુકડો છે? મસ્કે આગળ કહ્યું હતું કે આપણે બધા ફક્ત શાંતિ ઇચ્છીએ છીએ. તેમણે આમ કહ્યું ત્યારે ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા.