ઈરાનમાં સંકટ ઘેરું બન્યું, બે વીકમાં ૨૦૦૦ લોકોનાં મોત

14 January, 2026 10:03 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

જોકે બ્રિટિશ વેબસાઇટનો ૧૨,૦૦૦ લોકો માર્યા ગયાનો દાવો, મોટા ભાગની હત્યાઓ ૮-૯ જાન્યુઆરીની રાતે

ઈરાન ઇન્ટરનૅશનલ વેબસાઇટનો દાવો કરતો સ્ક્રીન-શૉટ.

છેલ્લાં બે અઠવાડિયાંથી ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શનોને ડામવા માટે પ્રશાસન દ્વારા હિંસક પગલાં લેવાઈ રહ્યાં છે. એને કારણે અત્યાર સુધીમાં ૨૦૦૦ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ન્યુઝ એજન્સી રૉઇટર્સે ઈરાની અધિકારીઓ દ્વારા આ આંકડાની પુષ્ટિ કરી છે. ઈરાની અધિકારીએ મંગળવારે ૨૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. આટલી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓનાં મૃત્યુનો જાહેર સ્વીકાર પહેલી વાર કોઈ ઈરાની અધિકારીએ કર્યો છે. અધિકારીએ કહ્યું છે કે જેમનાં મૃત્યુ થયાં છે એ માટે આતંકવાદીઓ જવાબદાર છે. આ ઘટનામાં પ્રદર્શનકારીઓ ઉપરાંત સુરક્ષાદળોના જવાનોનો જીવ પણ ગયો છે. 

ઈરાની અધિકારીઓ ૨૦૦૦ પ્રદર્શનકારીઓનાં મૃત્યુની પુષ્ટિ કરે છે, પરંતુ બ્રિટિશ વેબસાઇટ ઈરાન ઇન્ટરનૅશનલે દાવો કર્યો છે કે છેલ્લાં ૧૭ દિવસમાં ઈરાનમાં ૧૨,૦૦૦ હત્યાઓ થઈ છે. વેબસાઇટનું કહેવું છે કે એમની જાણકારી અનેક સ્રોતો પર આધારિત છે અને અનેક લેવલ પર એની તપાસ કરીને પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે પુષ્ટિ કર્યા પછી જ આ આંકડો જાહેર કરવામાં આવ્યો છે. મરનારા મોટા ભાગના લોકો ૩૦ વર્ષથી નાની વયના છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની હત્યાઓ ઈરાનની ‘રેવલ્યુશનરી ગાર્ડ્‍સ’ અને ‘બસીઝ ફોર્સ‍’ દ્વારા ગોળી મારવાથી થઈ છે અને આ ગ્રુપે સુપ્રીમ લીડર અલી ખામેનેઈના આદેશથી આ કર્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે મોટા ભાગની હત્યાઓ ૮ અને ૯ જાન્યુઆરીની રાતે થઈ હતી. સરકાર ઇન્ટરનેટ અને કમ્યુનિકેશન ઠપ કરીને પોતાનો ગુનો દુનિયાથી છુપાવી રહી છે. 

ઈરાન પર મિલિટરી ઍક્શન પર હમણાં ટ્રમ્પે મારી બ્રેક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સામે મિલટરી ઍક્શન લેવાના પ્લાનને હાલપૂરતો હોલ્ડ પર રાખ્યો છે. જોકે અમેરિકાની સેનાને તૈયાર રહેવા માટે કહ્યું છે જેથી આદેશ મળતાં જ તરત ઍક્શન લઈ શકાય. ન્યુઝ એજન્સી AP અનુસાર ટ્રમ્પનું કહેવું છે કે ઈરાનના અધિકારીઓ વાઇટ હાઉસ સાથે વાતચીત કરવા માગે છે. વાઇટ હાઉસનાં પ્રેસ-સેક્રેટરી કૅરોલિન લેવિટે કહ્યું હતું કે ‘ઈરાન તરફથી જાહેરમાં જે વાતો કહેવાઈ રહી છે એ અમેરિકાને મળતા પ્રાઇવેટ સંદેશાઓથી ખૂબ અલગ છે. રાષ્ટ્રપતિ આ સંદેશાઓને સમજવા માગે છે, પરંતુ જરૂર પડી તો સૈન્ય કાર્યવાહી કરવામાં કોઈ ખચકાટ નહીં અનુભવીએ.’ 

ઈરાનવાસીઓને ટ્રમ્પે આશા આપીને કહ્યું: તમે પ્રોટેસ્ટ કરતા રહો, મદદ આવી જ રહી છે

સરકારવિરોધી પ્રદર્શનોમાં હજારો લોકોનાં મૃત્યુ પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રૂથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘ઈરાનિયન દેશપ્રેમીઓ, વિરોધ ચાલુ રાખો. તમારા જ દેશ પર કબજો કરી લો. કાતિલો અને ખોટું કામ કરનારાઓનાં નામ નોંધી રાખો. તેમને એની મોટી કિંમત ચૂકવવી પડશે. જ્યાં સુધી પ્રદર્શનકારીઓની અકારણ હત્યા બંધ ન થઈ જાય ત્યાં સુધી મેં ઈરાની અધિકારીઓ સાથેની તમામ મીટિંગો કૅન્સલ કરી દીધી છે. મદદ આવી રહી છે.’ 

international news world news iran great britain donald trump united states of america