23 April, 2020 11:44 AM IST | Newyork | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસ (COVID-19)ના 8.49 લાખ કેસ નોંધાયા છે અને 47,681 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકાની દિવસે દિસવે બગડી રહેલી હાલતના પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અસ્થાયી રીતે ઈમિગ્રેશન સસ્પેન્ડ કરવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. આગામી 60 દિવસ માટે નવા ગ્રીન કાર્ડ ઈસ્યૂ કરવા કે સ્થાયી નિવાસીની મંજૂરી આપવાની પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવતા એક કાર્યકારી આદેશ પર ટ્રમ્પે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકાના નાગરિકોને નોકરીની તક પહેલા મળે તે માટે તેમણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ 60 દિવસ પછી તેનો સમયગાળો વધારવો કે નહીં તે બાબતે પણ વિચાર કરવામાં આવશે તેમ ટ્રમ્પે કહ્યું હતું.
ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, મહામારીના સંકટ બાદ જ્યારે અમેરિકા ફરી પાછું ઊભું થશે ત્યારે સૌથી પહેલા બેરોજગાર અમેરિકનોને નોકરીઓ મળવામાં મદદ મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ પગલાથી એ લોકો પર અસર નહીં થાય જે લોકો અસ્થાયી રીતે દેશમાં આવી રહ્યાં છે. તેમજ અનેક લોકોનું એવું માનવું છે કે, લોકો H1-B જેવા નૉન ઇમિગ્રેશન વિઝા પર રહે છે તેમની પર તેની કોઈ અસર નહીં પડે.
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝએ કહ્યું હતું કે, અમેરિકાએ મહામારીનો સામનો કોઈ ત્રીજા વિશ્વના દેશની જેમ કર્યો. અહીં લોકોને મદદ પહોંચાડનાર સેવા પહોંચી શકી નહીં. અમેરિકાના 14 ટકા લોકો ફૂડ વાઉચરથી મળનાર ભોજન ઉપર નિર્ભર છે. તેમણે વધુમાં કહ્યું કે લોકો બેરોજગારી ભથ્થા માટે આવેદન કરી રહ્યા છે. સ્વાસ્થ્ય સેવાની અસમાનતા માટે લોકોના જીવ જઈ રહ્યા છે. સરકારની મદદ બેરોજગારીને ભરપાઈ કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. આગામી મહિનાઓમાં બેરોજગારી વધીને 30 ટકા થઈ જશે.