પાકિસ્તાનમાં સિવિલ વૉર, સિંધ પ્રાંતમાં ગૃહપ્રધાનનું ઘર સળગાવી દેવાયું

22 May, 2025 12:54 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

ચોલિસ્તાન પ્રોજેક્ટનો વિરોધ, ઘણા લોકોનાં મૃત્યુ, આખા સિંધ પ્રાંતમાં હિંસા

ચોલિસ્તાન પ્રોજેક્ટનો વિરોધ, ઘણા લોકોનાં મૃત્યુ, આખા સિંધ પ્રાંતમાં હિંસા

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચોલિસ્તાન પ્રોજેક્ટના વિરોધમાં સિવિલ વૉર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પ્રોજેક્ટના કારણે હાલમાં પાણીની તંગી ભોગવી રહેલા સિંધના લોકોને આપવામાં આવતું પાણી બીજી નહેરોમાં વાળી દેવામાં આવવાનું છે તેથી લોકોએ સિંધ પ્રાંતના ગૃહપ્રધાન ઝિયાઉલ હસન લંજરનું ઘર સળગાવી દીધું હતું. આખું સિંધ હિંસાની આગમાં બળી રહ્યું છે, ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારત સામે પરાજિત થવા છતાં પાકિસ્તાની આર્મી ચીફ અાસિમ મુનીર પ્રમોશન મેળવીને ફીલ્ડ માર્શલ બની ગયા છે. જોકે આર્મી ચીફ પોતાના લોકોથી પોતાની નિષ્ફળતા છુપાવી શક્યા નહીં. લોકોમાં રોષ છે અને તેથી હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આસિમ મુનીર આ ભડકતી આગની મદદથી આખા પાકિસ્તાન પર નિયંત્રણ મેળવવા માગે છે, શું આસીમ મુનીર હવે ફક્ત સિંધ, બલૂચિસ્તાન અને પંજાબ જેવા વ્યક્તિગત પ્રાંતો પર જ નહીં પરંતુ સમગ્ર પાકિસ્તાન પર પોતાનું શાસન ઇચ્છે છે? આસિમ મુનીર હવે પોતાના જૂના ફીલ્ડમાર્શલ જનરલ અયુબ ખાનની જેમ બળવો કરીને પાકિસ્તાનમાં માર્શલ લૉ લાદવા તરફ આગળ વધી રહ્યા હોવાનું મનાય છે.

આર્મી અધિકારીઓ કરે છે બિઝનેસ
સિંધમાં ફાટી નીકળેલી આ આગ અને હિંસાનો આસિમ મુનીરના પ્રમોશન સાથે સંબંધ છે. પાકિસ્તાની સેના યુદ્ધ સિવાય બધું જ કરે છે. આર્મી અધિકારીઓ વ્યવસાય કરે છે, ફૅક્ટરીઓ ધરાવે છે, ખેતી કરે છે, બાગકામ કરે છે, દેશના વિવિધ ભાગોમાં મોટા પ્રોજેક્ટ્સ માટે કૉન્ટ્રૅક્ટ લે છે અને એ બધાં કામો કરે છે જે આર્મીનું કામ નથી. ચોલિસ્તાન પ્રોજેક્ટ પણ આર્મી પાસે છે.

ચોલિસ્તાનનો અબજ ડૉલરનો પ્રોજેક્ટ શું છે?
ગ્રીન પાકિસ્તાન ઇનિશ્યેટિવ હેઠળ બનેલો આ પ્રોજેક્ટ ૨૦૨૩માં શરૂ કરવામાં આવ્યો હતો અને એને શરૂ કરનાર આસિમ મુનીર હતા, જેમણે વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મળીને આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. કુલ ૧૭૬ કિલોમીટર લાંબી નહેરો બનાવવાની છે અને આ નહેરો બનાવવાનો કરાર કોઈ નહેર બાંધકામ કંપની સાથે નહીં પરંતુ પાકિસ્તાની સેના સાથે છે, જેનો કુલ ખર્ચ લગભગ ૯૪૫ અબજ રૂપિયા છે.

સિંધનું પાણી છીનવી લેવાશે
આ પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાની સેના ચોલિસ્તાનના રણમાં પાણી પહોંચાડીને લગભગ ૧૨ લાખ એકર જમીનને હરિયાળી બનાવવા માગે છે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૬ નહેરો બનાવવામાં આવશે. આમાંથી પાંચ નહેરો સિંધુ નદીમાંથી પાણી મેળવશે, જ્યારે છઠ્ઠી નહેર સતલજમાંથી પાણી મેળવશે. પરંતુ સતલજ પર ભારતનો કાબૂ છે અને સિંધુ જળ સંધિ રદ થયા પછી પાકિસ્તાનને સતલજનું પાણી નહીં મળે. આવી સ્થિતિમાં સેના સિંધુ નદીમાંથી પાણી કાઢીને નહેરોમાં પહોંચાડશે. પરંતુ આના કારણે પહેલાંથી જ પાણીની તંગીનો સામનો કરી રહેલા સિંધના લોકોને પાણીની વધુ તંગીનો સામનો કરવો પડશે. સિંધના લોકો શરૂઆતથી જ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. સેના સિંધના લોકો પાસેથી જરૂરી પાણી છીનવી લેશે તેથી આ પ્રોજેક્ટથી ગુસ્સે ભરાયેલા લોકોએ ગૃહપ્રધાન ઝિયાઉલ હસન લંજરનું પૂતળું બાળ્યું હતું.

international news world news pakistan terror attack