અમેરિકાના સૈનિકોને ક્રિસમસ બોનસ: ૧૭૭૬ ડૉલરનું વૉરિયર ડિવિડન્ડ આપશે ડોનલ્ડ ટ્રમ્પ

19 December, 2025 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૭૭૬ ડૉલરનું વૉરિયર ડિવિડન્ડ આપશે ડોનલ્ડ ટ્રમ્પ, અમેરિકાના સ્થાપનાવર્ષ ૧૭૭૬ના આંકડા જેટલી જ ગિફ્ટ ૧૪.૫૦ લાખ યોદ્ધાઓને આપવામાં આવશે

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકન સૈનિકો માટે સ્પેશ્યલ વૉરિયર ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ તરીકે સૈનિકોને અમેરિકાની સરકાર આપણા દિવાળી બોનસ જેવું ક્રિસમસ બોનસ આપશે. બુધવારે ડોનલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી અને એને અમેરિકાના સ્થાપનાવર્ષ સાથે જોડી હતી. અમેરિકાની સ્થાપના ૧૭૭૬માં થઈ હતી એટલે દરેક સૈનિક માટે આ ડિવિડન્ડની રકમ ૧૭૭૬ ડૉલર રાખવામાં આવી છે. અમેરિકાના કુલ ૧૪.૫૦ લાખ કરતાં વધારે સૈનિકોને ૧૭૭૬ ડૉલર (આશરે એક લાખ ૬૦ હજાર રૂપિયા) મળશે.

મારું ટૅરિફ-હથિયાર જબરદસ્ત કામ કરી રહ્યું છે એવો દાવો કરીને ડોનલ્ડ ટ્રમ્પે પોતાની પીઠ જાતે જ થાબડી લીધી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે ‘ટૅરિફને લીધે અમેરિકાને જબરદસ્ત ફાયદો થઈ રહ્યો છે. કોઈએ ધાર્યું નહોતું એટલા પૈસા આપણે કમાયા છીએ. આ પ્રૉફિટનો લાભ મેળવવા માટે આપણા સૈનિકોથી વધારે કોઈ લાયક નથી. એટલે જ ક્રિસમસ પહેલાં દરેક મિલિટરમૅનને આ વૉરિયર ડિવિડન્ડ મળી જશે.’

international news world news united states of america donald trump christmas