સેપ્ટિક ટૅન્ક ટ્રકોમાં દુલ્હાની બારાત નીકળી

08 April, 2026 12:29 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

ચીનમાં એક વ્યક્તિએ લગ્ન માટે જાનમાં સેપ્ટિક ટૅન્ક ટ્રકો વાપરી હતી. આમાં તેને તેની ભાવિ પત્નીનો પણ સાથ મળ્યો હતો

સેપ્ટિક ટૅન્ક ટ્રકોમાં નીકળેલી બારાત

ચીનમાં એક વ્યક્તિએ લગ્ન માટે જાનમાં સેપ્ટિક ટૅન્ક ટ્રકો વાપરી હતી. આમાં તેને તેની ભાવિ પત્નીનો પણ સાથ મળ્યો હતો. એને કારણે આખા શહેરમાં અનોખી બારાતની ચર્ચા થવા લાગી છે. પૅન હાઓનાન નામના દુલ્હાનાં લગ્ન ૨૮ માર્ચે થયાં હતાં. તેના પિતા છેલ્લા બે દાયકાથી સિવેજ ટ્રીટમેન્ટના કામ સાથે સંકળાયેલા છે. પૅન હાઓનાને પણ પોતાનું સ્ટાર્ટઅપ ફેઇલ જતાં ૨૦૨૩માં પિતાના કામમાં જ જોડાઈ જવાનું નક્કી કર્યું હતું. હવે તે સેપ્ટિક ટૅન્ક ટ્રક ચલાવતા કર્મચારીઓનો લીડર છે. પૅનની ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં ગર્લફ્રેન્ડ લી યાકિંગ સાથે સગાઈ થઈ હતી. એ પછી તેણે ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે જો તે જાનમાં સેપ્ટિક ટૅન્ક ટ્રકો લઈને આવે તો તેને ચાલશે? લીને આ આઇડિયા ઇન્ટરેસ્ટિંગ લાગ્યો અને તેણે પણ મંજૂરી આપી દીધી. ગર્લફ્રેન્ડનું કહેવું છે કે કામ કોઈ પણ હોય, પતિ મહેનત કરીને કમાતો હોય એ જરૂરી છે અને જો તેને પોતાના કામ સાથે લગાવ હોય તો એ ચીજને લગ્નમાં સામેલ કરવામાં શરમ શાની?

ગયા અઠવાડિયે લગ્ન થયાં ત્યારે ૯ સેપ્ટિક ટૅન્ક ટ્રકોને સાફ કરીને લાલ કાગળનાં ફૂલોથી સજાવવામાં આવી હતી. એમાંથી બે ટ્રકો પૅનની કંપનીની હતી, જ્યારે બાકીની તેણે પોતાના દોસ્તો પાસેથી ઉધાર લીધી હતી.

international news world news china offbeat news