ચોરી, ઉપરથી સીનાજોરી

06 August, 2022 08:28 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીને યુદ્ધજહાજો અને લડાકુ વિમાનોને તાઇવાનની વધુ નજીક મોકલ્યાં : બીજી તરફ ચીને અમેરિકા સાથેની તમામ મુદ્દે વાતચીત બંધ કરી, પેલોસી અને તેમના ફૅમિલી મેમ્બર્સ પર પ્રતિબંધો મૂક્યા અને યુરોપિયન દેશોના ડિપ્લોમેટ્સને સમન્સ બજાવ્યા

ગઈ કાલે તાઇવાન સામુદ્રધુનીમાં તાઇવાન તરફ આગળ વધતું ચાઇનીઝ યુદ્ધજહાજ ચેંગચુન

ચીને ગઈ કાલે પણ તાઇવાન પાસે પાણીમાં લશ્કરી કવાયત કરીને તનાવભરી સ્થિતિ યથાવત્ રાખી હતી. ગઈ કાલે ચીને એનાં ૧૩ યુદ્ધજહાજો અને ૬૮ લડાકુ વિમાનોને તાઇવાનની વધુ નજીક મોકલ્યાં હતાં.

તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે ચીનની નેવીનાં જહાજ અને ફાઇટર જેટ્સ ગઈ કાલે સવારે તાઇવાન સામુદ્રધુનીની મધ્ય રેખાને પાર કરી ગયાં હતાં. આ મધ્ય રેખા તાઇવાન અને ચીન વચ્ચે છે. એ અનૌપચારિક છે, પરંતુ તાઇવાન અને ચીન વચ્ચેની સીમા તરીકે એને માન્ય રાખવામાં આવે છે.

તાઇવાને આ જહાજો અને ફાઇટર જેટ્સને તાઇવાનની સીમામાંથી જતાં રહેવા માટે વૉર્નિંગ આપી હતી અને સાથે જ ઍર પેટ્રોલ ફોર્સિસ, નેવીનાં જહાજો અને દરિયાકાંઠે મિસાઇલ સિસ્ટમ્સને અલર્ટ પર મૂકી હતી. ​

અમેરિકાના હાઉસના સ્પીકર નૅન્સી પેલોસી દ્વારા તાઇવાનની મુલાકાતથી અકળાયેલા ચીને અમેરિકાને સજા આપવાના ઇરાદાથી કેટલાક નિર્ણયો લીધા છે. ચીને ગઈ કાલે કહ્યું હતું કે એ ક્લાઇમેટ ચેન્જથી લઈને લશ્કરી સંબંધો અને ડ્રગ્સ વિરોધી પ્રયાસો સહિત જુદા-જુદા મુદ્દે અમેરિકા સાથેના સંવાદને રદ કર્યા છે કે પછી અટકાવી દીધા છે. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એરિયા કમાન્ડર્સ તેમ જ સંરક્ષણ વિભાગોના વડાઓ વચ્ચેની વાતચીત રદ રહેશે.

દરમ્યાનમાં ચીને અમેરિકાના હાઉસના સ્પીકર નૅન્સી પેલોસી અને તેમના ફૅમિલી મેમ્બર્સ પર પ્રતિબંધો જાહેર કર્યા હતા.

ચીનના વિદેશ મંત્રાલયે પેલોસીની તાઇવાન મુલાકાતનો સખત વિરોધ કર્યો હતો. ચીને તાઇવાનની ફરતે એની લશ્કરી કવાયતની ટીકા કરતાં જી૭ દેશો અને યુરોપિયન યુનિયનનાં સ્ટેટમેન્ટ્સ સામે વિરોધ નોંધાવ્યો હતો. જે બદલ ચીને યુરોપિયન દેશોના ડિપ્લોમેટ્સને સમન્સ બજાવ્યા હતા.  

international news china taiwan