02 November, 2025 01:59 PM IST | Canada | Gujarati Mid-day Correspondent
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ટૅરિફવિરોધી જાહેરાત બદલ તેમણે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની માફી માગી છે. સાઉથ કોરિયાના શહેર ગ્યૉન્ગજુમાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘મેં પ્રેસિડન્ટ ટ્રમ્પની માફી માગી છે. તેઓ નારાજ હતા. જ્યારે અમેરિકા તૈયાર હશે ત્યારે વેપારની વાટાઘાટો ફરી શરૂ થશે. અમેરિકાના પ્રેસિડન્ટ સાથેના સંબંધો માટે વડા પ્રધાન તરીકેની મારી ભૂમિકામાં હું જ જવાબદાર છું. તેથી કંઈ પણ થાય તો આપણે સારાને ખરાબ સાથે લઈએ છીએ અને મેં માફી માગી છે.’
ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગનને દર્શાવતી ટૅરિફવિરોધી ઑન્ટૅરિયો રાજ્યની જાહેરાત-ઝુંબેશ પછી ડોનલ્ડ ટ્રમ્પે વેપારની તમામ વાટાઘાટો સ્થગિત કરી દીધી હતી અને કૅનેડિયન માલ પર ટૅરિફમાં ૧૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
આ અગાઉ ટ્રમ્પે પુષ્ટિ આપી હતી કે કાર્નીએ ઑન્ટૅરિયો સરકારની જાહેરાત માટે માફી માગી હતી અને કહ્યું હતું કે ‘હું કૅનેડિયન નેતા સાથે સારા સંબંધ જાળવી રાખીશ. મારો તેમની સાથે ખૂબ જ સારો સંબંધ છે. મને તે ખૂબ ગમે છે, પરંતુ તેમણે જે કર્યું એ ખોટું હતું. તેમણે જાહેરાતના મુદ્દે માફી માગી હતી. આ એક ખોટી જાહેરાત હતી. રોનાલ્ડ રેગનને ટૅરિફ ખૂબ ગમતી હતી.’
જાહેરાત પ્રસારિત થયાના થોડા દિવસ પછી રોનાલ્ડ રેગન પ્રેસિડેન્શિયલ ફાઉન્ડેશન ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટે સોશ્યલ મીડિયા પર ઑન્ટૅરિયો સરકારની ટીકા કરી હતી. જાહેરાતમાં રોનાલ્ડ રેગન ટૅરિફ વિશે નકારાત્મક બોલતા દર્શાવવામાં આવ્યા હતા.