બ્રિટનનાં પહેલાં મુસ્લિમ વડાં પ્રધાન તરીકે શબાના મહમૂદનું નામ ચર્ચામાં

11 February, 2026 09:16 AM IST  |  United Kingdom | Gujarati Mid-day Correspondent

એપ્સટીન ફાઇલોના વિવાદના પગલે બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર રાજીનામું આપે એવી શક્યતા

શબાના મહમૂદ

એપ્સટીન ફાઇલોના વિવાદ વચ્ચે યુનાઇટેડ કિંગડમ (UK)ના વડા પ્રધાન કીર સ્ટાર્મર પર તેમનું પદ છોડવા માટે ભારે પ્રેશર છે. આ પછી એવું માનવામાં આવે છે કે શબાના મહમૂદ નવાં વડાં પ્રધાન બની શકે છે. જો એમ બને તો તે UKનાં પ્રથમ મુસ્લિમ વડાં પ્રધાન બનશે. શબાના મહમૂદ એક વકીલ અને રાજકારણી છે, જે ૨૦૨૫માં ગૃહપ્રધાન બન્યાં હતાં. તેઓ હાલમાં બ્રિટન સરહદ સુરક્ષા-વ્યવસ્થાપનનું સંચાલન કરે છે.

બ્રિટનના ભૂતપૂર્વ રાજદૂત પીટર મેન્ડેલસનના દોષી જાતીય ગુનેગાર જેફ્રી એપ્સટીન સાથેના સંબંધો અંગેના ખુલાસા પછી બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર તેમના કાર્યકાળના સૌથી ગંભીર પડકારોમાંથી એકનો સામનો કરી રહ્યા છે. આ પરિણામને કારણે કીર સ્ટાર્મરના નેતૃત્વ પર તીવ્ર નજર રાખવામાં આવી રહી છે. તેમની લેબર પાર્ટીમાંથી જ તેમને રાજીનામું આપવા માટે કહેવામાં આવી રહ્યું છે.

શબાના મહમૂદ કોણ છે?

૪૫ વર્ષનાં શબાના મહમૂદનો જન્મ બર્મિંગહૅમમાં પાકિસ્તાની માતા-પિતાને ત્યાં થયો હતો. માતા ઝુબેદા અને પિતા મહમૂદ અહમદ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના મીરપુરનાં રહેવાસી છે. બાળપણનો થોડો સમય તેમણે સાઉદી અરેબિયામાં વિતાવ્યો હતો. લિંકન કૉલેજ, ઑક્સફર્ડમાં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો છે અને બૅરિસ્ટર તરીકે કાર્યરત છે. ૨૦૧૦માં તેઓ સંસદસભ્ય તરીકે ચૂંટાયાં હતાં અને પહેલાં મહિલા મુસ્લિમ સંસદસભ્ય છે. તેઓ ૨૦૨૫થી UKનાં ગૃહપ્રધાન છે અને બર્મિંગહૅમનાં સંસદસભ્ય છે.

international news world news united kingdom jeffrey epstein political news