26 February, 2026 07:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
બિલ ગેટ્સ
માઇક્રોસૉફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે જેફરી એપ્સટીન સાથેના તેમના સંબંધોને મોટી ભૂલ ગણાવીને કર્મચારીઓની માફી માગી હતી. ગેટ્સ ફાઉન્ડેશનના ટાઉનહૉલ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે મારા નિર્ણયોની હું જવાબદારી લઉં છું. આ મુદ્દે તેમણે કર્મચારીઓના સવાલોના ખુલ્લા દિલે જવાબ આપ્યા હતા.
બિલ ગેટ્સે સ્વીકાર્યું હતું કે તેમને રશિયન મહિલાઓ સાથે બે અફેર હતાં, જેના વિશે જેફરી એપ્સટીનને પાછળથી ખબર પડી હતી. જોકે બિલ ગેટ્સે સ્પષ્ટ કર્યું હતું કે ‘આ અફેરને એપ્સટીનની પીડિતો સાથે કોઈ સંબંધ નથી. મેં કંઈ ગેરકાયદેર કર્યું નથી, મેં કંઈ ગેરકાયદે જોયું નથી.’
એપ્સટીન ફાઇલોમાં બિલ ગેટ્સની અનેક મહિલાઓ સાથેની તસવીરો જાહેર થઈ છે એ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘આ મહિલાઓ સાથેની તસવીરો એપ્સટીનના કહેવાથી તેની સહાયક મહિલાઓની મીટિંગ બાદ લેવામાં આવી હતી. મેં એપ્સટીનની કોઈ પણ પીડિતા સાથે સમય વિતાવ્યો નથી.’
આ મહિનાની શરૂઆતમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશને સ્પષ્ટ કર્યું હતું કે તેમણે એપ્સટીનને કોઈ નાણાકીય સહાય આપી નથી અને તેને કોઈ પદ પર નિયુક્ત કર્યો નહોતો.