30 September, 2025 09:38 AM IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઝવા-એ-હિન્દ માટે ૫૦ લાખ યુવાનો તૈયાર બેઠા છે, ગોરીલા યુદ્ધની જેમ ફેલાઈને જંગ લડશે- શનિવારે ન્યુ યૉર્કમાં એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી લાખો યુવાનોને ભડકાવવાની થઈ કોશિશ
બંગલાદેશની પાકિસ્તાનતરફી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીના નેતા અમીર સૈયદ અબદુલ્લા મોહમ્મદ તાહિરે ૨૭ સપ્ટેમ્બરે ન્યુ યૉર્કમાં ભારતવિરોધી ઝેરી અને ભડકાઉ ભાષણ કર્યું હતું. તેણે ઝેર ઓકીને ભારત વિરુદ્ધ ગઝવા-એ-હિન્દ કરવાની ધમકી આપી છે.
બંગલાદેશમાં વચગાળાની સરકાર બનાવ્યા પછી કટ્ટરપંથી સંગઠનોનો ભારતવિરોધી એજન્ડા ઉગ્ર થતો દેખાઈ રહ્યો છે. બંગલાદેશી કટ્ટરપંથી જમાત-એ-ઇસ્લામીના નેતાએ હવે ખુલ્લેઆમ ધમકી આપવાનું શરૂ કર્યું છે. ન્યુ યૉર્કમાં બંગલાદેશ-અમેરિકન અસોસિએશન દ્વારા યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં અમીર સૈયદ અબદુલ્લા મોહમ્મદ તાહિરે શનિવારે સરેઆમ કહ્યું હતું કે ‘૫૦ લાખ યુવાનો ગઝવા-એ-હિન્દ માટે તૈયાર છે જે ગોરીલા યુદ્ધની જેમ ફેલાઈને જંગ લડશે. અમારા ૫૦ લાખ યુવાનો બે સમૂહમાં વહેંચાઈ જશે. એક સમૂહ ગોરીલા યુદ્ધમાં ભાગ લેશે, જ્યારે બીજો સમૂહ એક મોટા ક્ષેત્રમાં ફેલાઈને પ્રતિરોધ કરશે.’ ગઝવા-એ-હિન્દનો મતલબ હિદુસ્તાન પર ઇસ્લામિક સેનાની જીત છે. મોહમ્મદ તાહિરે એને પયગમ્બરની કહેવાતી યોજનાનો હિસ્સો હોવાનું જણાવીને કહ્યું હતું કે આ જંગ તેમના માટે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
૧૯૭૧નું કલંક
તાહિરે ૧૯૭૧ના બંગલાદેશના યુદ્ધનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘અમારી પાર્ટી પર પાકિસ્તાનને સાથ આપવાનું કલંક છે, પરંતુ ભારત વિરુદ્ધ યુદ્ધ લડીને એને મિટાવી શકાશે. અનેક લોકો કહે છે કે જો જમાત-એ-ઇસ્લામી સત્તામાં આવી તો ભારત હુમલો કરી શકે છે. હું દુઆ કરું છું કે તેઓ અંદર ઘૂસે. ૧૯૭૧માં અમારા પર લાગેલું કલંક મટી જશે. ત્યારે અમને અમારી જાતને સાચા સ્વતંત્રતાસેનાની સાબિત કરવાનો મોકો મળશે.’ જમાતના નેતાએ અવામી લીગની ભૂમિકા પર પણ વિવાદિત ટિપ્પણી કરીને કહ્યું હતું કે જો ભારત હુમલો કરે છે તો અવામી લીગ એની વિરુદ્ધ નહીં લડશે, પરંતુ એમનો સાથ આપશે. આ વિધાન બંગલાદેશની રાજનીતિમાં નવો વિવાદ ખડો કરી શકે છે.